- અમદાવાદ મનપાનો પૂર્વ ઝોનમાં સપાટો
- 66.12 લાખ રૂપિયા ટેક્સની વસૂલાત કરાઈ
- એક જ દિવસમાં કરાઈ મોટી કાર્યવાહી
અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન ટેક્ષ વિભાગ દ્વારા ટેક્સ ન ભરનારા લોકોની સામે લાલ આંખ કરવામાં આવી છે. આ માટે એકમો અને પ્રોપર્ટી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. એકલા પૂર્વ ઝોનમાં 505 એકમો સીલ કરાયા છે અને 66.12 લાખના ટેક્ષની વસૂલાત કરાઈ છે.
આ મામલે વધુ વિગતો અનુસાર આજે 1 ડિસેમ્બરના રોજ પૂર્વ ઝોનના ડે.મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠલ 3 નવેમ્બરના રોજ બાકી રહેલા પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા હોય તેવા કરદાતાઓની મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે હેઠળ 1 ડિસેમ્બરના રોજ પૂર્વ ઝોનના ટેક્ષ વિભાગ દ્વારા સપાટો બોલાવીને 505 એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન ટેક્ષ વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીઓમાં (1) મુક્તિધામ એસ્ટેટ, નિકોલ (2) ઉમિયાનગર, ઓઢવ (3) રાધે ચેમ્બર, વસ્ત્રાલ (4) ગોલ્ડન એસ્ટેટ, ઓઢવ (5) સિધ્ધીવિનાયક કોમ્પ્લેક્ષ, રખિયાલ (6) સનસાઈન એસ્ટેટ, રખિયાલ (7) વિશાલા સુપ્રીમ, રીંગ રોડ નિકોલ (8) સત્યમ સાગર ટેનામેન્ટ, નવા વટવા (9) કર્ણાવતી એસ્ટેટ, વટવા (10) રીધ્ધી-સિધ્ધી કોમ્પ્લેક્ષ, ખોખરા સહિતનાં 505 એકમો સહિત વર્ષ 2023-24 દરમિયાન કુલ 6546 એકમો સામે સીલની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા કરદાતાઓ સામે સિલીંગ ઉપરાંત સરકારના ચોપડે બોજા નોંધ, જપ્તી તથા હરાજી સુધીના સઘન પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ અમદાવાદ મનપા દ્વારા ટેક્સની વસૂલાત કરવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક જ દિવસમાં 66 લાખ જેટલા બાકીના ટેક્સની રકમને વસૂલવામાં આવી છે.
મહત્વનું છે કે રાજ્યમાં વિવિધ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન હવે બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે એક્શનમાં આવ્યું છે. આ માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા ઝોનમાં બાકી મિલકતોને સીલ મારવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન શહેરના 7 ઝોનમાં અત્યાર સુધી 2,074 મિલકતો સીલ કરવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, AMCનું પ્રોપર્ટી વિભાગે અમદાવાદના જુદા-જુદા ઝોનમાં બાકીદારોની મિલકતોને સીલ મારવાની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના 7 ઝોનમાં કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં કુલ 2,074 મિલકતોને સીલ કરી 2 કરોડ 62 લાખનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે 1 ડિસેમ્બરના રોજ 66.12 લાખ રૂપિયા ટેક્સની વસૂલાત પૂર્વ ઝોનમાંથી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 402 મિલકતો સીલ કરી છે. તો મધ્યઝોનમાં 332, ઉત્તર ઝોનમાં 332 મિલકતો સીલ કરવામાં આવી છે. આ માટે AMC દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 402 મિલકતને સીલ મારવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 2074 બાકીદારોની મિલકતો સીલ કરાઈ છે. મહત્વનું છે કે, ટેક્સ વસૂલવા આગામી દિવસોમાં ઝુંબેશ સઘન બનાવાશે. આ તરફ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 402 મિલકતો સીલ કરાઈ છે તો મધ્યઝોનમાં 332, ઉત્તર ઝોનમાં 332 મિલકતો સીલ કરાઈ છે.