• સોમનાથ હેલિપેડ ખાતે ગૃહમંત્રીનું સ્વાગત

  • જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના પદાધિકારીઓ રહ્યા હાજર
  • વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં થયા સામેલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ હેલિપેડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના પદાધિકારીઓ અને સંગઠન દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

મહત્વનું છે કે વેરાવળના ચાંડુવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થયા હતા. સોમનાથ હેલિપેડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ દરમિયાન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો પણ સામેલ થયા હતા.

શું છે કાર્યક્રમ?

અમિત શાહ જૂનાગઢના કાર્યક્રમમાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગીર સોમનાથની મુલાકાતે રહેશે. આજે સાંજે દિવ એરપોર્ટ અને ત્યાંથી સોમનાથ હેલિપેડ ખાતે પહોંચવાનું આયોજન હતું. અમિત શાહ પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે સાંજે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'માં સહભાગી થઈ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે. ત્યારબાદ રાત્રિ રોકાણ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે કરશે.

5 હજારથી વધુ કલાકારો ભાગ લે તેવી શક્યતા

આવતીકાલે સવારે 10 કલાકે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા પ્રસ્થાન કરશે. જૂનાગઢના ગીર તળેટીમાં રૂપાયતન ટ્રસ્ટ દ્વારા આયોજિત નિરૂપમ નાણાવટીના જન્મ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે તેઓ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાનાર માટી કલા મહોત્સવમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી કુંભારો અને માટીકામના કલાકસબીઓ ભાગ લેશે. કાર્યક્રમના ભાગરૂપે માટીકામ પર એક સેમિનાર પણ યોજાશે, જેમાં 5 હજારથી વધુ કલાકારો ભાગ લે તેવી શક્યતા છે.

શું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા?

દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભોને સંતૃપ્ત કરવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલમાં, પીએમ મોદીએ 15 નવેમ્બરના રોજ ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. તાત્કાલિક સેવાઓની સુવિધા માટે, ટપાલ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો દ્વારા વિવિધ શિબિરો ગોઠવવામાં આવી રહી છે. સરકારની મુખ્ય યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર અને સશક્ત બનાવવા માટે રચાયેલી આ યાત્રાનો હેતુ જાગૃતિ લાવવાનો અને કલ્યાણ કાર્યક્રમોનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે.

જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના સંદેશા લઈને ખાસ તૈયાર કરવામાં આવેલી આઈઈસી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઓન સ્પોટ સેવાઓના ભાગરૂપે ગ્રામ પંચાયતોમાં આઈઈસી વાનના હોલ્ટના સ્થળોએ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યાત્રામાં ગામડે ગામડે અને તાલુકા અને શહેરી મથકોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લઈને લોકોમાં જાગૃતિ લાવવા તેમને માહિતગાર કરવામાં આવશે અને લાભાર્થીઓને યોજનામાં રજિસ્ટ્રેશન કરવાની સુવિધા પણ કરવામાં આવશે. 

  • Follow us on: