• સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો મોટો જથ્થો

  • પોલીસ દ્વારા જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન
  • 15000થી વધુ બોટલોનો જથ્થો સીઝ કરાયો

ખેડા જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે. આ મામલે છેક ગાંધીનગર સુધી આ બાબતની નોંધ લેવાઈ છે. આ કાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડા તરફથી પોલીસ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પછી રાજ્યમાં વિવિધ જગ્યાએ આજે પોલીસ દ્વારા દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી.

આ ક્રમમાં સુરેન્દ્રનગરમાં પણ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક શિવશક્તિ ગોડાઉનમાંથી આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ મામલે જાણકારી અનુસાર 15000થી વધુ સિરપની બોટલોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને એક જાણકારી અનુસાર આ કુલ જથ્થાની અનુમાનિત કિંમત 25 લાખ રૂપિયા થવા જાય છે.

ઉલ્લેખનીય છે કે આજથી 2 મહિના પહેલા પણ મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડની સિરપની બોટલોને પોલીસતંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય આજે પોલીસ ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરી દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને આજે પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપનું વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગની ટીમો દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.

આ મામલે જાણકારી અનુસાર ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં સિરપનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે જીલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા લોકોને અપીલ આવી કોઈ પણ પ્રકારની આર્યવેદીક સિરપનું સેવન ન કરવામાં આવે. આ મામલે વધુમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો ડોક્ટર લખી આપે તો જ સીરપનો ઉપયોગ કરવામાં આવે તેવું લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આજે રાજ્યભરમાં પોલીસ ટીમોએ વિવિધ જિલ્લાઓમાં દરોડાની કામગીરીને અંજામ આપ્યો હતો. જેના અનુસંધાને ઘણી જગ્યાઓથી આવી શંકાસ્પદ સિરપનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે. હવે આ મામલે વધુ જાણકારી આગળની તપાસ પછી જ સામે આવી શકે તેમ છે. 

  • Follow us on: