અમદાવાદમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય અને ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં ના આવતી હોય તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ખાવા-પીવાની ચીજવસ્તુઓનું ચેકિંગ કરવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.


239 કિલો અખાદ્ય પદાર્થનો કરવામાં આવ્યો નાશ

તમને જણાવી દઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં મનપાના આરોગ્ય વિભાગે ડ્રાઈવ ચલાવી છે, ત્યારે છેલ્લા 1 માસમાં 306 એકમોમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ભેળસેળ કરતા અને યોગ્ય સાફ-સફાઈ ના કરતા 108 એકમને નોટિસ ફટકારવામાં આવી છે તથા રૂપિયા 75,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. 239 કિલો અખાદ્ય પદાર્થનો પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કેરીના રસમાં ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદમાં ઉનાળાની સિઝનમાં કેરીનો રસ ખાવો ભારે પડી શકે છે. 12 એપ્રિલે શહેરમાં બોપલ વિસ્તારમાં કેરીનો તૈયાર રસ ખરીદ્યા બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. દુકાનમાંથી ખરીદેલો રસ ખરાબ હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ગ્રાહકે તંત્રને કેરીનો રસ ખરાબ હોવાની ઓનલાઈન ફરિયાદ કરી હતી. કેરીનો રસ વેચનાર દુકાનદારે ગ્રાહકનો આક્ષેપ ફગાવી દીધો હતો. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત એક દુકાનમાંથી ગ્રાહકે તૈયાર કેરીનો રસ ખરીદ્યો હતો. આ રસ ખરીદ્યા બાદ તે ખરાબ હોવાની ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી.ગ્રાહકે કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગ્રાહક દ્વારા કેરીનો રસ ખરાબ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ દુકાનદાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાહક અમારા ત્યાંથી કેરીનો રસ ટેસ્ટ કરીને લઈ ગયા હતાં. આ ઘટનામાં રસ ખરીદનાર ગ્રાહકે દુકાનદાર સામે અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી.

  • Follow us on: