એક તરફ સરકાર સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાના કામો કરીને પાણી બચાવવાના ભગીરથ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6થી 7 ચેકડેમો તૂટેલા પડ્યા છે, તે તરફ સરકાર ધ્યાન આપે તો જળસંચય કરતા પણ ચેકડેમો રીનોવેશન કરીને જળ સંચયનો બચાવ થઈ શકે છે, ત્યારે શું છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તૂટેલા ચેકડેમોની હક્કીત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં.
શિયાળી-ઉનાળુ પાકોમાં ખેડૂતોને પડે છે મુશ્કેલી
ચોમાસામાં વરસાદથી છલોછલ ભરાઈ જતા ચેકડેમોની હાલત એટલી દયનીય છે કે પાણીનો સંગ્રહ કરવાનું તો ઠીક પણ પાણી બચાવીને ખેતીના અને ગ્રામીણ ગામડાઓના પીવાના પાણીના સોર્સ મજબુત થઈ શકતા નથી અને ઉનાળાના અંતિમ સમયે સરકાર જળસંચયના કામો શરૂ કરાવીને પાણી બચાવવાના અભિયાનો આદરે છે પણ જો આવા તૂટેલા ચેકડેમો રીનોવેશન કરવામાં આવે તો ગામડાઓમાં શિયાળુ અને ઉનાળુ ખેતીપાકો લેવામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો નિકાલ થાય પણ વર્ષોથી ચેકડેમો આજ હાલતમાં બિસ્માર તૂટેલા પડયા છે તો અમુકને ચેકડેમના પાળા જ તૂટી ગયા છે તો અમુક ચેકડેમોમાં પાણી સીધું જ નદીઓ તરફ વહી જાય તે રીતે તૂટીને બેહાલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6થી 7 વધારે ચેકડેમોની હાલત આવી ખરાબ છે.
સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ
ખાંભા ગીર પંથકના ધાવડીયા, ઉમરીયા, તાતણીયા ગામમાં 6 ડેમ તૂટેલા અને જર્જરિત હાલતમાં છે, જ્યારે ચોમાસામાં વરસાદી પાણી આ ચેકડેમોમાં ભરાય એવી કોઈ સ્થિતિ હાલ જણાતી નથી, જ્યારે ધાવડીયા ગામના ચેકડેમના પાળા પરથી 20 ઉપરાંતના ખેડૂતોને વાડી ખેતરે જવાનો રસ્તો પણ એકમાત્ર આજ છે અને ધાવડીયા ગામના સ્મશાન પણ ચેકડેમની સામેની સાઈડ હોવાથી ચેકડેમનો ઉપરનો પાળો જ તૂટી ગયેલો હોય ત્યારે કોઈની અંતિમ ક્રિયા કરવામાં પણ ચોમાસામાં મુશ્કેલ બનતી હોવાનું સ્થાનિકો આક્રોશ સાથે જણાવે છે. ત્યારે ખાંભા ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આ ચેક ડેમોનું રીનોવેશન અથવા નવા બનાવવામાં આવે તેવી ખેડૂતોની માગ છે. અમરેલી જિલ્લામાં તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે તેવું વહીવટી તંત્ર થઈ ગયું હોવાની પ્રતીતિ વચ્ચે ડેમોની હાલત દયનીય છે અને ચોમાસામાં જળાશયો મરામતના અભાવે ભાંગીને ભુક્કો થઈ રહ્યા હોય, ત્યારે સરકાર દ્વારા જળ સંચયના કામો સાથે ડેમોની યોગ્ય મરામત ક્યારે કરાવશે તે તો સમય જ કહેશે.