અમરેલીના લાઠીમાં એક ટ્રકમાં વિકરાળ આગની ઘટના બની છે. લાઠીના દેરડી જાનબાઈ ગામ પાસે ટ્રકમાં વિકરાળ આગ લાગી છે. રાજકોટ ભાવનગર રોડ ઉપર સિમેન્ટ ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. રાજુલાથી બોટાદ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી છે. આગની ઘટના ટ્રકમાં બનતા જ ટ્રક ડ્રાઈવર સમય સુચકતા વાપરીને ટ્રકમાંથી કૂદી પડ્યો અને પોતાનો જીવ બચાવ્યો છે.


રાજુલાથી બોટાદ જઈ રહી હતી સિમેન્ટ ભરેલી ટ્રક

ટ્રકમાં આગની ઘટના અંગેની જાણકારી ફાયર ટીમને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દીધા, હાલમાં આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ લાઠી પોલીસ, મામલતદાર, ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને ટ્રક અને સિમેન્ટ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

ભરૂચમાં અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં આગ

બીજી તરફ ભરૂચમાં અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં આગની ઘટના બની છે. અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ, ફાયરની ટીમોએ દર્દીઓનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે અન્ય જગ્યાએ ખસેડયા છે. સમગ્ર પ્રક્રિયા અંતે મોકડ્રિલ જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરાયું હતું. મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ મોકડ્રિલ સમયે હાજર રહ્યા હતા. 

  • Follow us on: