તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. અમરેલીની એમડી સીતાપરા કોલેજમાંથી પેપર લીક થતા તેના જવાબો પરીક્ષાની 15 મિનિટમાં જ વોટ્સએપ પર વાયરલ થયા હતાં. પેપરો વાયરલ થયા હોવાની રજૂઆત કર્યા બાદ પણ કોલેજ સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. આ કોલેજને પેપર લીક કેસમાં ક્લિન ચીટ આપવામાં આવી છે.


પેપર લીક કરનારા ત્રણ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની એમડી સિતાપરા કૉલેજમાંથી બીકોમ સેમેસ્ટર-4ની પરીક્ષાના પેપરો વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા બાદ સત્તાધીશો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ કોલેજ સામે કોઈ પણ એક્શન કે એફઆઈઆર કરવામાં નથી આવી. કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયું પણ કોલેજનું જોડાણ રદ નથી કરાયું. કોલેજે આ ઘટનામાં કહ્યું હતું કે, ત્રણ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પરીક્ષા આપતા હોવાથી તેઓ સજાને પાત્ર છે. કોલેજના આ જવાબને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય પણ રાખી લીધો છે.

સીસીટીવી પણ વેબસાઈટ પર મુકવાનું બંધ કરાયુ

પેપર લીક કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓની પુછપરછ પણ નથી કરી. યુનિવર્સિટીની પરીક્ષાના સીસીટીવી વેબસાઈટ પર મુકવાનું પણ બંધ કરી દીધું છે. પેપર લીક કેસમાં અમરેલીની એમડી સીતાપરા કોલેજના ત્રણ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યાં છે. શરદ ગડેરીયા ,પાર્થ કીકાણી અને કેયુર ડોબરીયા નામના વિદ્યાર્થીઓએ ઉત્તરવહી સાથેના ફોટો ચાલુ પરીક્ષાએ વાયરલ કર્યા હતાં. સમગ્ર ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો .ઉત્પલ જોશીની કાર્યવાહી શંકાસ્પદ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


  • Follow us on: