રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડૉક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે Dysp હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. જે મુદ્દે રાજ્યના એક વિદ્યાર્થી નેતાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી. આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


DYSP નહીં હોવા છતાં DYSP તરીકે ઓળખ આપી હતી 

નિશા વ્હોરા સામે પોતે Dysp ના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે આણંદ LCB ની ટીમે તપાસ હાથ ધરી છે. ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં Dysp તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.

નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરી હોવાની ખોટી માહિતી આપી

એક અહેવાલમાં નિશા વ્હોરા GPSC કલાસ 3 માં પાસ થવાના સમાચાર હતા. જેમાં નિશા પોતે IPS બની દેશ સેવા કરવા UPSCની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે. દાવો કરાયો છે કે સોજીત્રાની નિશાબેન સલીમભાઈ વ્હોરાએ જામિયા હાઈસ્કુલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું, જ્યાર બાદ GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. અને કોઈ પણ કલાસીસ કર્યા વિના તેણે આપબળે સફળતા મેળવી હતી. આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે. અને GPSCની વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો હતો.

  • Follow us on: