ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 7માં આવેલા દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા ગંદકી હટાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલા શાકમાર્કેટના વેપારીઓ, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ભરૂચ શહેરમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7માં આવેલા દાંડીયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું. ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલા શાકમાર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી.
વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે: સ્થાનિકો
ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઈન્સ્પેકટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે આ બાબતે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલા લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે.