- અમિત શાહ ગુજરાતની મુલાકાતે
- ગીર સોમનાથમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં થયા સામેલ
- આયુષ્માન ભારત યોજનાને લઈને કરી મોટી જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ સોમનાથ ખાતે હેલિપેડથી ઉતર્યા હતા અને અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. તેમણે ગીર-સોમનાથ જિલ્લાના ચાડુંવાવ ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો, જ્યાં તેમણે આયુષ્માન યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આયુષ્માન ભારત યોજનાની લિમિટ કરતાં વધારે ખર્ચ આવશે, તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી તે સહાય ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેરાવળ તાલુકાના ચાડુવાવ ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે જંગી જનમેદનીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભારતની સ્વાધીનતા લડાઈમાં મહત્વનું યોગદાન આપનારા સુખનાથ અને ભગતસિંહને યાદ કર્યા હતા. આ સાથે જ અમિત શાહે ભારતને એક રાષ્ટ્ર તરીકે વધુને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ભારતની જેમ જર્મની સહિત અનેક દેશો પણ આઝાદ થયા હતા, જે આજે ક્યાં પહોંચ્યા છે? જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો અને 2047માં તે 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારત પણ દરેક ક્ષેત્રમાં અવલ્લ હોવો જોઈએ. આ માટે આપણે સંકલ્પ કર્યો છે. એક બીજી મહત્વની વાત કરતાં તેમણે કહ્યું હતું કે આઝાદી સમયે આપણે ટાંકણી પણ નહતા બનાવતા, આજે આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ વાત કરતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ માત્ર સરકારી યોજનાઓનો લાભ માત્ર લાભાર્થીઓને આપવાનો નથી. ભારતના દરેક લોકો આત્મનિર્ભર બને અને શિક્ષણને વ્યાપ વધે તેમજ 2047 સુધીમાં ભારત વાસ્તવમાં વિકસિત થાય તેવો છે. આમ અમિત શાહે લોકોને ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે જ અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આયુષ્માન યોજનાની લિમિટ કરતાં વધારે ખર્ચ આવશે, તો ગુજરાતના મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી તે સહાય ચૂકવવામાં આવશે. ભારતનો દરેક નાગરિક સ્વસ્થ હશે, ત્યારે જ વિકસિત ભાર બનશે. દેશના 60 કરોડ ગરીબો સમૃદ્ધ બનશે.