મહેસાણામાં સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. મહેસાણામાં 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્પેશિયલ ડ્રાઈવમાં મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ ચેકિંગ કરાયું હતું. જેમાં કેટલાક સગીર વાહન ચલાવતા હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.


પોલીસના સંકજામાં સગીરના વાલીઓ

પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ કર્યો કે સગીરના વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં કેમ વાહન આપ્યું. દરમિયાન કેટલાક વાલીઓએ મનઘડત કારણો આપતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વાલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે 11 વાલીઓ સામે MV એક્ટ કલમ 180,5 મુજબ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી.

RTO અને પોલીસની કાર્યવાહી

નોંધનીય છે કે હાલમાં મહેસાણામાં RTO અને પોલીસે સંયુક્તપણે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં RTO અને પોલીસે વાહનોના લાયસન્સનું કડકપણે ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને શાળા પાસે સગીર વાહન ચાલકો વધુ પ્રમાણમાં જોવા મળતા ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આીવી છે. છતાં પણ આજે રીલના ચક્કરમાં સગીર બાળકો રોફ જમાવવા વાહન હંકારતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે.

કાયદાનો કડક અમલ કરાવવા તંત્ર સજ્જ

અમદાવાદની ફતેવાડીની ઘટનામાં યુવાનોએ રીલ બનાવવા સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. અને કાર બેકાબુ થતા કેનાલમાં ખાબકતા યુવાનના મોત નિપજયા હતા જ્યારે હાલમાં જ એક 13 વર્ષની બાળકીએ કાર ચલાવી ટુ-વ્હીલર ચાલકને અડફેટે લેતા મોત નિપજયું હતું. સગીર અને યુવાનો રીલના ચક્કરમાં બેકાબુ બની રહ્યા છે અને અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. અને એટલે જ હવે રાજ્ય સરકારે પણ કાયદાનો કોયડો વિંઝયો છે.  હવે સગીર વાહન ચલાવતા જોવા મળશે તો વાલીઓને સજા થશે. આથી માતા-પિતાએ તેમના બાળકોને વાહન આપતા પહેલા વિચાર કરવો પડશે. કારણ કે તેમના વ્હાલા બાળકો કોઈ બીજાનો ભોગ લઈ શકે છે.

  • Follow us on: