ભરૂચના આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા માટીકામ ઉપર ભરૂચ ખાણ ખનીજની ટીમે દરોડા પાડ્યા છે. રેલવેના કામમાં માટી ખનન થતું હતું. આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજના દરોડા પાડીને અંદાજિત રૂપિયા 3 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ 9 ડમ્પર અને બે હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે.


કાયદેસરની કાર્યવાહી ખનન માફિયાઓ વિરૂદ્ધ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે પટેલ બસીર એહમદ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનનું ખનન કરવા માટે પરમિશન લીધી હતી. જો કે 10,000 મેટ્રિક ટન કરતા વધુ માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું એવી પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તમામ વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી ખનન માફિયાઓ વિરૂદ્ધ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ પાડતા વિસ્તારના અન્ય ભુમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાલમાં તમામ વાહનો જપ્ત કરીને આમોદ મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા છે.

ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ: MLA વિમલ ચુડાસમા

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ઘણી વખત અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવ્યા બાદ પણ આવા તત્વો સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર ખનીજ માફિયાઓના સાધનો જપ્ત કરીને ત્યારબાદ દંડ ફટકારીને સંતોષ માનવામાં આવે છે. રાજ્યમાં થઈ રહેલી ખનીજ ચોરી મુદ્દે હવે MLA વિમલ ચુડાસમા સામે આવ્યા છે અને તેમને ગઈકાલે નિવેદન આપતા કહ્યું કે ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે, પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા છે. આ ખનીજ માફિયાઓ દર મહિને હપ્તા આપે છે, તેથી કોઈ કાર્યવાહી પણ તેમની સામે કરવામાં આવતી નથી. વધુમાં ધારાસભ્યએ કહ્યું કે વિધાનસભાના બે માળ જતા રહે એટલા ખાડા ચોરવાડમાં છે. અહીંના સચિવને તમામ જાણકારી હોવા છતાં કોઈ પગલાં ભરતા નથી. 

  • Follow us on: