ભાવનગર શહેરના રુવાપરી રોડ પાસે 4 દિવસ પહેલા સર્જાયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. 4 દિવસથી સારવાર લઈ રહેલા એક યુવાને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડતા હત્યાનો બનાવ બન્યો છે અને મૃતકના સંબંધીઓએ આરોપીઓના 3 જેટલા ઘરને સળગાવ્યાના સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ અને ફાયરનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
6 એપ્રિલના રોજ સાંજના સુમારે મારામારીનો બનાવ બન્યો હતો
ભાવનગર શહેરના રુવાપરી રોડ મહાકાળી વસાહત પાસે ગત તારીખ 6 એપ્રિલના રોજ સાંજના સુમારે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી વિજયભાઈ વાજાના બનેવી નરશીભાઈ પરસોત્તમ જાદવ તેઓ પણ રુવાપરી રોડ મહાકાળી વસાહતમાં રહે છે. ફરિયાદમાં ફરિયાદીએ કરેલા ઉલ્લેખને લઈ જોવા જઈએ તો મૃતક નરશીભાઈ જાદવ ગત તારીખ 6 એપ્રિલના રોજ આરોપી સાગર પ્રવીણ ચૌહાણના ઘર પાસે ગયા હતા, જ્યાં આરોપીઓ સાગર પ્રવીણ ચૌહાણ તેમજ તેનો ભાઈ સુનિલ પ્રવીણ ચૌહાણ અને ભદ્રેશ ઉર્ફે ભદો ચૌહાણ અને અજય પ્રવીણ ચૌહાણ તેમજ સાગરના પત્ની રશ્મિબેન અને ઉષાબેન હસમુખ રાઠોડે એક સંપ કરી ધારીયા તેમજ પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ નરશી જાદવ નામના યુવાનને પહોંચાડી હતી, ત્યારબાર તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ICU વોર્ડમાં સારવાર ચાલતી હતી.
મારામારીનો બનાવ હત્યામાં પલટાયો
જો કે સારવાર દરમ્યાન યુવાન નરશી જાદવનું ગઈકાલ સાંજે 09 એપ્રિલના રોજ મોત નીપજ્યું હતું અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. મારામારી થવા પાછળનું કારણ જોવા જઈએ તો આરોપી સાગર ચૌહાણને એવી શંકા હતી કે મૃતક નરશી જાદવ તેમના ઘરની અંગત પ્રવૃત્તિઓની વાતો બહાર કરે છે, જેની દાઝ રાખી ફરિયાદી વિજય વાજા અને તેમના બનેવી નરશી જાદવ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે નરશી જાદવ આરોપી સાગર ચૌહાણના ઘરે જુગાર રમવા ગયો હતો, ત્યાં મારામારી સર્જાઈ હતી. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે આરોપી સાગર ચૌહાણના ઘરે જુગારની કલબ ચાલે છે, ત્યાં મૃતક નરશી જાદવ જુગાર રમવા માટે ગયો હતો.
6 આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા
નરશી વાજાનું સારવાર દરમ્યાન મોત નિપજતા લાશને પી.એમ રૂમ ખાતે ખસેડવામાં આવી અને ત્યારબાદ ફરી એક વખત મહાકાળી વસાહતમાં સર્જાયેલી બબાલમાં નરશી વાજાના મોતની જાણ થતાં આરોપીઓના ઘરે મૃતકોના સગા સંબંધીઓ દોડી આવ્યા હતા અને જ્વલનશીલ પ્રવાહીની બોટલો બનાવી આરોપીઓના ત્રણ જેટલા ઘરમાં પથ્થરમારો કરી જ્વલનશીલ પ્રવાહીની બોટલોના ઘા કરી ત્રણ જેટલા ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત બાજુમાં જ પડેલી રીક્ષાને પણ સળગાવવામાં આવી અને જોત જોતામાં આગ ત્રણેય ઘરોમાં પ્રસરી હતી. ઘટનાની જાણ ફાયર અને પોલીસને થતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર 2થી વધુ પાણીની ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.
સમગ્ર ઘટનાને લઈ પોલીસે મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પણ દીધો હતો. મારામારીનો બનાવ બન્યા બાદ ઘોઘા રોડ પોલીસ મથકના સ્ટાફ દ્વારા 8 એપ્રિલના રોજ તમામ 6 આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રુવાપરી રોડ મહાકાળી વસાહતમાં સર્જાયેલી મારામારી બાદ હત્યાનો બનેલો બનાવ બાદ આરોપીઓના મકાનોને સળગાવવાના બનાવને લઈ ભાવનગરમાં પોલીસ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે જે રીતે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેને ડામવા ભાવનગર પોલીસે હવે કડક વલણ અપનાવવા જોઈએ તે જરૂરી બન્યું છે.













