ભાવનગર શહેરમાં ચાલતી સીટી બસની સેવા ખાડે ગઇ છે. શહેરના એક માત્ર રૂટ ભરતનગરના રૂટ ઉપર ચાલતી સીટી બસ પણ હાલ બંધ થઈ જતા મુસાફરોને જીવના જોખમે અને ઊંચા ભાડા આપીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડવાનો વારો આવ્યો છે.


લોકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે

ભાવનગર શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તા ભાડામાં મુસાફરી કરી શકે એ માટે થઈ મનપા એ સીટી બસની સેવા શરૂ કરી હતી, અને સમયાંતરે આ સેવા એક બાદ એક રૂટ ઉપર બંધ થઇ અને એક માત્ર રૂટ ભરતનગર વિસ્તારમાં સીટી બસની સેવા ચાલુ હતી પરંતુ થોડા સમયથી એ ભરતનગરની સેવા પણ બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને પોતાના જીવના જોખમે અને ઊંચા ભાડા આપી ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે.

ઈ બસ સેવા શરૂ કરવાની વાતો હવામાં રહી

આ અંગે મનપાના વિપક્ષે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં આ ખૂબ દુઃખદ વાત છે અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં શાસક પક્ષ નિષ્ફળ નીવડ્યું છે. શાસક પક્ષ દ્વારા માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે. ઇ બસ સેવા શરૂ કરવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હાલમાં તાત્કાલિકના ધોરણે સીટી બસની સેવા શરૂ કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ફાયદો થાય એમ છે.

ભાવનગરમાં નવી એસી બસ સ્થાનિકો માટે શરૂ કરાશે

ભાવનગર શહેરમાં થોડા વર્ષો પહેલા શહેર ના 13 વોર્ડના તમામ વિસ્તારોમાં સિટીબસની સેવા શરૂ હતી પરંતુ સમય જતાં એક બાદ એક રૂટ બંધ કરી દેવામાં આવ્યા અને એક રૂટ ઉપર બસ શરૂ રાખી અને હવે તે પણ બંધ કરી દેતા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ અંગે ભાવનગરના મેયરને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે ભાવનગર મનપા દ્વારા શહેરીજનો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ એસી ઇ બસ શરૂ કરવા જઈએ છીએ. ભાવનગર ના 16 જેટલા રૂટ ઉપર આ બસ શરૂ કરવામાં આવશે.

28 કિલોમીટરની રેન્જમાં આ ઇ બસ સેવાનો લાભ પ્રજાજનોને મળવાનો છે

100 જેટલી ઇ બસ ફાળવવામાં આવશે અને શહેરથી 28 કિલોમીટરની રેન્જમાં આ ઇ બસ સેવાનો લાભ પ્રજાજનોને મળવાનો છે. શહેરના અધેવાડા નજીક આ બસનો ડેપો પણ બની ચુક્યો છે અને નજીક ના દિવસોમાં જ લોકો ને આ સેવા નો લાભ મળવાનો છે. ભાવનગર શહેરમાં બંધ થયેલી સીટી બસની સેવાઓ ને લઈ હાલ તો લોકો ને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે ત્યારે મનપા એ કરેલો ઇ બસ સેવાનો દાવો કેટલો અને ક્યારે સાચો પડે છે એ જોવું રહ્યું.

  • Follow us on: