ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા રામજીભાઈ મેરની આજે 12 દિવસ બાદ પણ કોઈ સગડ ન મળતાં પરિવારમાં ચિંતા અને આક્રંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર 28 ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર અને વિરાજ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિ ભીખાભાઈ મેર સહિતના 3 માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા.
માછીમારોએ 7 બોટ લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી
ત્યારબાદ 2 માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિ મેર આ બે માછીમારો જ બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પુછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરવા 4 માર્ચના રોજ ઘોઘાના માછીમારો દ્વારા 7 બોટ લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, જ્યારે યુવાનો દ્વારા 20 જેટલી બાઈકો લઈને ભાલ પંથકના કિનારાના ગામોમાં પણ તપાસ હાથ ધરી હતી, તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત 2 દિવસ ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, તેમ છતાંય ગુમ થયેલા આ રામજીભાઈ મેર વિશે કોઈ જાણકારી મળી શકી નથી.
ઘરના આધારસ્તંભ અને ત્રણ દીકરાના પિતા રામજીભાઈની આજ દિન સુધી કોઈ ભાળના મળતા પરિવારમાં ભારે આક્રંદ અને રોકકળ ચાલી રહી છે, જ્યારે આડોશ પાડોશમાં પણ કોઈના ગળા નીચે અન્નનો દાણો પણ ઉતરી શકતો નથી. હાલ મરીન પોલીસ દ્વારા પણ આ સત્ય સુધી પહોંચવા વિરાજ ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ મેર નામના બંને માછીમારોને ઉઠાવી લઈ જઈ સઘન પુછપરછ હાથ ધરી છે, પરંતુ બંને શખ્સો પાસેથી આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે એમ લાગી રહ્યું છે.
મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું
ત્યારે 12 દિવસ થયા છતાં પણ રામજીભાઈ મેરની કોઈ ખબર ન મળતા તેમના પરિજનો દ્વારા પણ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે યોગ્ય અને ઝડપી તપાસ કરવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયાઈ કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ બંધ હાલતમાં, આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી. પરંતુ આ બોટ હાલ મેઈન્ટેનન્સના કારણે બંધ પડી છે. જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી.
ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષા વિશે સવાલ
ખાટલે મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે પણ બોટ જ નથી તો સવાલ ઉઠે છે કે ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો? જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કેવી રીતે થઈ રહી છે? દરિયામાં માછીમારી કરતા માછીમારોને ના કરે નારાયણ અને કોઈ ગંભીર ઈજા પહોંચી અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી તો શું થાય ?. આવા અનેક સવાલો માછીમારોના મુખે ચર્ચાઈ રહ્યા છે.