ભાવનગરમાં ચિત્રા SBI બેન્ક બહાર ગઈકાલે થયેલી 75 લાખ રૂપિયાની લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના સમયમાં જ લૂંટ કરનારા 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુદ્દામાલને રિક્વર કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 74.50 લાખ રૂપિયા રિક્વર કર્યા છે.


આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે

તમને જણાવી દઈએ કે પોલીસે 4 જેટલી ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં જ ગુન્હો ડિટેક્ટ કર્યો અને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ગઈકાલે સાંજે ચિત્રા SBI બેન્ક બહાર જ 3 શખ્સોએ છરી બતાવીને રૂપિયાની લૂંટ કરી હતી. ફરિયાદી યાકુબ અલી રાજાણી અને મહંમદઅલી લાખાણી બેન્કમાંથી રૂપિયા લઈને નીકળતા હતા, એ દરમ્યાન 3 શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. હવે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માટે માગણી કરશે.

ગઈકાલે જ નોંધાઈ હતી ફરિયાદ

ભાવનગર શહેરની ચિત્રા SBI બેન્ક બહાર 75 લાખ રોકડા રૂપિયાની લૂંટના મામલે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગત મોડી રાત્રીના બોરતળાવ પોલીસ મથકમાંપોલીસ ફરિયાદ નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડના વેપારી યાકુબ અલી રાજાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોઈ અજાણયા 3 ઈસમોએ છરીની અણીએ રૂપિયા 75 લાખની લૂંટ કરી હતી.

પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એસ.પી, એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી. ભાવનગર એસ.પી ડો.હર્ષદ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે APMCના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા એસ.બી.આઇ બેન્ક ઉપર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી 3 જેટલા ઈસમો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.


  • Follow us on: