છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં ભાવનગરનો એક CRPF જવાન શહીદ થયો છે. આ ઘટના 22 મેને ગુરુવારે બની છે. આ એન્કાઉન્ટરમાં એક નક્સલીને પણ ઠાર કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના સિહોરના દેવગાણા ગામનો જવાન પણ શહીદ થયો છે. મેહુલ સોલંકી નકસલવાદી હુમલામાં શહીદ થયો છે. તે છત્તીસગઢમાં CRPFમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતો હતો. હાલમાં દેવગાણા ગામમાં શોકનો માહોલ છે.
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
તમને જણાવી દઈએ કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં થયું હતું. માઓવાદીઓની હાજરીના સમાચાર મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુકમા ડીઆરજી, એસટીએફ અને કોબ્રા કમાન્ડોની સંયુક્ત ટીમ બુધવારે રવાના કરવામાં આવી હતી. તેમને નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરવા મોકલવામાં આવ્યા હતા. આજે સવારથી જ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો હતો.
કોબ્રા સૈનિકો નક્સલવાદીઓ સામે લડવામાં નિષ્ણાત
ઉલ્લેખનીય છે કે કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)એ CRPFનું એક ખાસ યુનિટ છે. તે વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં તૈનાત છે. કોબ્રા સૈનિકો નક્સલવાદીઓ સામે લડવામાં નિષ્ણાત છે. તેઓ જંગલોમાં નક્સલીઓને શોધે છે અને તેમને મોતને ઘાટ ઉતારી દે છે. એક દિવસ પહેલા જ છત્તીસગઢના નારાયણપુરમાં સૈનિકોએ 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. આમાં અગ્રણી નક્સલવાદી નેતા બસવરાજુનો પણ સમાવેશ થાય છે. બધા નક્સલીઓના મૃતદેહ હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવ્યા હતા. છત્તીસગઢના વિવિધ ભાગોમાં નક્સલવાદીઓનો ખાત્મો કરવા માટે સુરક્ષા દળો અભિયાન ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026નો લક્ષ્યાંક નક્કી કર્યો છે.