ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને ખેતરોમાં પાણી જવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. ભારે પવન સાથે પડી રહેલા વરસાદના લીધે ગુજરાતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડૂતોએ મહેનતથી વાવેલો પાક વરસાદમાં નષ્ટ થઈ જતાં ખેડૂતો ખૂબ જ લાચાર બની ગયા છે. ભાવનગરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો તળાજાના સમઢીયાળા ગામે ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ઉપરા્ંત ખેડૂતોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉભો પાક ઢળી જતાં ખેડૂતોનું વ્યાપકપણે નુકસાન થયું છે.
ખેડૂતોને મોટું નુકસાન થયું
ભાવનગરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું. ખેડૂતોએ વાવેલા ઉનાળું તલ, બાજરી, ડુંગળીના રોપ (કળી), સૂકી નિરણ વગેરે જેવો પાક નાશ પામ્યો હતો. તો ભારે પવનના લીધે ખેતરોમાં વાવેલો તલ અને બાજરીનો પાક ઢળી પડ્યો હતો. જેથી ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો હતો. ગુજરાત સહિત ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનો પાક ધોવાયો છે. સુરતમાં પણ કમોસમી વરસાદને લીધે તલ અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.
ભાવનગરમાં કુલ કેટલો વરસાદ વરસ્યો
ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કન્ટ્રોલ રુમ ભાવનગરના રિપોર્ટ મુજબ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં જેવા કે, વલભીપુર 29 mm, ઉમરાળામાં 61 mm, ભાવનગરમાં 141 mm, ઘોઘામાં 65 mm, શીહોરમાં 71 mm, ગારીયાધારમાં 81 mm, પાલીતાણામાં 84 mm, તળાજામાં 48 mm, મહુવામાં 188 mm અને જેસર પંથકમાં 71 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. કુલ એવરેજ 83.9 mm જેટલો વરસાદ વરસી ગયો હતો.