આગામી દિવસોમાં ભુજ સહિત પૂર્વ કચ્છના મોટાભાગના રેલવે સ્ટેશનો આધુનિક બની જશે. આ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે રેલવે વિભાગ દ્વારા હાલે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંય ભુજ શહેરનું રેલવે સ્ટેશન નમૂનારૂપ બની રહેશે. કારણ કે, અહીં રૂ. 200 કરોડથી પણ વધુનાં ખર્ચે તમામ સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


ભુજનું રેલવે સ્ટેશન આધુનિક અને અનેક સેવાઓથી સજ્જ બનશે

કચ્છની થીમ પર તૈયાર થઇ રહેલા આ રેલવે સ્ટેશનમાં મુસાફરોથી લઇને રેલવેના કર્મચારીઓ સુધીની જરૂરિયાત મુજબની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એરપોર્ટને ટક્કર મારે તેવું અદ્યતન રેલવે સ્ટેશન ગાંધીનગર પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન બની રહેશે. આ બાબતે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ભુજ, ભચાઉ અને સમાખિયાળીનાં રેલવે સ્ટેશનોને અદ્યતન બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમાંય ખાસ કરીને ભુજનું રેલવે સ્ટેશન આધુનિક અને અનેક સેવાઓથી સજ્જ બનશે. કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ ઉપર આખેઆખું નવું અદ્યતન રેલવે સ્ટેશન બનશે. રૂ. 200 કરોડથી વધુ રકમના ખર્ચે બની રહેલા રેલવે સ્ટેશનનું ગયા વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશન બની ગયા બાદ તેનું વિધિવત્ રીતે લોકાર્પણ પણ કરવામાં આવશે.

કચ્છનું પાટનગર ભુજ છે, તેને ધ્યાને લઈને અહીં અદ્યતન રેલવે સ્ટેશન કાર્યરત થઇ ગયા બાદ ગાંધીધામ સુધી આવતી બધી જ ટ્રેનોને ભુજ સુધી લંબાવી દેવામાં આવશે. જેને કારણે ભુજથી પ્રવાસીઓને એટલા જ પ્રમાણમાં રેલવેની સુવિધા મળી રહેવા પામશે. પરિણામે અહીં મુસાફરોની અવરજવરમાં પણ વધારો થશે. ખાસ કરીને રણોત્સવ માણવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવતા હોય છે, ત્યારે તેમને આ રેલવેની સુવિધાનો મહતમ લાભ મળશે. અન્ય રાજ્યો સાથે રેલવે કનેક્ટિવિટી વધતાં મુસાફરો, પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.

પિૃમ કચ્છના છેક નલિયા સુધી પ્રવાસી ટ્રેન પહોંચશે

હાલનાં સમયમાં ભુજથી નલિયા બ્રોડગેજ લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરિણામે નજીકનાં ભવિષ્યમાં જ પિૃમ કચ્છનાં છેક નલિયા સુધી પ્રવાસીઓ ટ્રેન વાટે પહોંચી શકશે. જોકે, હાલે આ રૂટ ઉપર માલગાડી કાર્યરત છે. ભવિષ્યમાં પ્રવાસી ટ્રેનને નારાયણ સરોવર સુધી લંબાવવા માટે પહેલાંથી જ ભારત સરકાર અને રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં પિૃમ કચ્છમાં છેવાડાનાં વિસ્તાર સુધી પણ રેલવેની સુવિધા ઉદ્યોગો અને પ્રવાસીઓને મળી રહેવા પામશે.

માંડવી સુધી રેલવેની સુવિધા લંબાવવા માટે ડીપીઆર તૈયાર

ગાંધીધામથી અન્ય પ્રાંતોને જોડતી જેટલી પણ ટ્રેનો ગાધીધામ ખાતે સ્ટોપેજ થાય છે તે બધી જ ટ્રેનો આગામી સમયમાં ભુજ સુધી આવશે. જેને કારણે ભુજ રેલવે સ્ટેશનના માધ્યમથી પણ પ્રવાસીઓની અવર જવરમાં વધારો થશે. આવનાર સમયમાં માંડવી સુધી પણ રેલવેની સુવિધા લંબાવવા માટેનો ડીપીઆર પણ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. માંડવી સુધી રેલવેની સુવિધા મળી રહે તે માટે ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા હાલે વિચારણા કરવામાં આવી રહી છે.

અંજાર, ગાંધીધામ, આદિપુર રેલવે સ્ટશનનું નવીનીકરણ કરાશે

હાલનાં સમયમાં ભુજ તેમજ ભચાઉ અને સામખિયાળીનું રેલવે સ્ટેશન આધુનિક બને તે માટે રેલવે વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર પુરજોશમાં કામગીરી થઇ રહી છે. ટૂંક સમયમાં આ ત્રણેય રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને તમામ પ્રકારની આધુનિક સુવિધા મળી રહેવા પામશે. જેમાં મુસાફરો માટે બસવાની, ભોજન, આરામગૃહ સહિતની સુવિધાઓની સાથે સાથે પાણી, શૌચાલય સહિતની પ્રાથમિક જરૂરિયાતો પણ મળી રહેવા પામશે. આ સિવાય રેલવેના આવાગમનની માહિતી આપતાં ડિસપ્લે સહિત પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. બાદમાં અંજાર, ગાંધીધામ, આદિપુર રેલવે સ્ટશેનું પણ આ જ રીતે નવીનીકરણ કરવામાં આવશે.

ગાંધીધામનાં ગોપાલપુરી નજીક રેલવે સ્ટેશન માટે વિચારણા

સાંસદ દ્વારા તાજેતરમાં ગાંધીધામ ચેમ્બર સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંધીધામનું રેલવે સ્ટેશન ખસેડીને બહાર ગોપાલપુરીની નજીક બને તે માટે વિચારણા કરવામાં આવી હતી. કારણ કે, હાલનાં રેલવે સ્ટેશનથી ભુજ સુધી ટ્રેનને પહોંચાડવામાં એક કલાક જેટલો સમય બગડે છે, પરંતુ ગોપાલપુરી પાસે રેલવે સ્ટેશન ધમધમતું થાય તો ભવિષ્યમાં આ એક કલાકનો સમય નહીં બગડે. હાલે આ દિશામાં પણ કામગીરી આગળ ધપાવવામાં આવી છે. આ સિવાય કચ્છને રેલવેના માધ્યમથી નવી ટ્રેનો મળી તેમાં અમદાવાદથી ભુજ સુધીની નમો ટ્રેનનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં અન્ય રાજ્યોને જોડતી ટ્રેનો કચ્છને વધુ મળે તે દિશામાં પોતે સતત કાર્યરત છે.

ભુજનું આખું રેલવે સ્ટેશન આધુનિક અને ટેકનોલોજી સજ્જ હશે

ભુજનું આખું રેલવે સ્ટેશન આધુનિક અને ટેકનોલોજી સાથે સજ્જ તો હશે જ. સાથોસાથ એરપોર્ટ હોય એ પ્રકારનું રેલવે સ્ટેશન બનીને તૈયાર થશે. યાત્રિીકો માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓ, મુસાફરોની સાથે સાથે સ્ટાફ માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પરિણામે ગાંધીનગર પછીનું આ પહેલું એ પ્રકારનું રેલવે સ્ટેશન હશે કે જેમાં સ્ટાફ માટે જરૂરિતાય મુજબની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ સિવાય પાર્સલ સહિતની સુવિધાઓ માટે પણ અલગ અલગ પ્રકારની ટેકનોલોજી સભર સુવિધાનો પણ લોકોને લાભ મળી રહેવા પામશે. દરેક પ્રકારે ટેકનોલોજી અને નવીન સુવિધા સાથેનું આ રેલવે સ્ટેશન બનશે.

રહેણાક, પોષાક, ખોરાક સહિતની તમામ વસ્તુઓમાં કચ્છની ઝલક

રૂ. 200 કરોડથી વધુ રકમનાં ખર્ચે તૈયાર થઇ રહેલું ભુજનું રેલવે સ્ટેશન કચ્છની થીમ ઉપર જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે અયોધ્યાનું રેલવે સ્ટેશન રામાયણની થીમ ઉપર તૈયાર કરાયંુ તેજ રીતે અહીં કચ્છની થીમ ઉપર રેલવે સ્ટેશન બની રહ્યું છે. અહીં રેલવે સ્ટેશને ઉતરનાર પ્રત્યેક પ્રવાસીઓને પ્લેટફોર્મ ઉપર પગ મૂકતા જ પોતે કચ્છમાં ઉતર્યા હોવાનો અહેસાસ રેલવે સ્ટેશનમાંથી જ થઇ જશે. અહીં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતાં રેલવે સ્ટેશનમાં રહેણાક, પોષાક, ખોરાક તેવી બધી જ વસ્તુઓમાં કચ્છની ઝલક જોવા તથા અનુભવવા મળશે. જેને કારણે કચ્છમાં જોવા લાયક સ્થળો, ફૂડ સહિતની જાણકારી રેલવે સ્ટેશન જોઇને જ પ્રવાસીઓને મળી રહેવા પામશે.

  • Follow us on: