ભુજ શહેરની પાણીની દૈનિક જરૂરિયાત 55થી 60 એમએલડીની છે, જેની સામે પાલિકાને હાલ 45 એમએલડી નર્મદાનું પાણી મળી રહ્યું છે. આ સિવાય 6 બોરમાંથી 3 એમએલડી પાણી મેળવીને ઘટ પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે શહેરમાં થતો પાણીનો બગાડ રોકવા તેમજ ગેરકાયદે પાણીના કનેક્શનો દ્વારા પાણીની થતી ચોરીને રોકીને પાણી બચાવવા માટે પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે.
પાણીની ચોરીને અટકાવવા માટે પાલિકા દ્વારા કમર કસવામાં આવી
આ અન્વયે બુધવારે પાલિકાની વોટર સપ્લાય કમિટી દ્વારા તમામ વોર્ડમેનો અને વાલ્વમેનો સાથે બેઠક યોજીને પાણીની બચત માટે જરૂરી એવી સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે વધુ માહિતી આપતા પાલિકાના વોટર સપ્લાય કમિટીના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ઉનાળામાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય તેને પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેની સાથે સાથે પાણીનો થતો બગાડ તેમજ ગેરકાયદે પાણીના કનેક્શનોને લઈને પાણીની થતી ચોરીને અટકાવવા માટે પણ પાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. આ સંદર્ભે બુધવારે પાલિકાના તમામ વોર્ડમેનો અને વાલ્વમેનો સાથે બેઠક યોજીને પાણીના બગાડ સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં 22 જેટલા વાલ્વમેનો અને તમામ 11 વોર્ડના 11 વોર્ડમેનો હાજર રહ્યા
જેમાં મુખ્યત્વે વાલ્વમેનોને પાણી વિતરણ સમયે વાલ્વ શરૂ કર્યા બાદ તેમના હસ્તકની પાણીની લાઈનની તપાસ કરવામાં આવે અને જ્યાં પણ લાઈન લીકેજ હોય તેવું ધ્યાને આવે કે તુરંત પાલિકાનું ધ્યાન દોરવામાં આવે જેને કારણે પાણીનો બગાડ થતો તુરંત અટકાવી શકાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જ્યારે વોર્ડમેનોને પણ ક્યાંય પણ પાણી લીકેજ જોવા મળે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરો છલકાતી જોવા મળે તો તુરંત પાલિકાનું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના તમામ 22 જેટલા વાલ્વમેનો અને તમામ 11 વોર્ડના 11 વોર્ડમેનો હાજર રહ્યા હતા અને પાણીનો કોઈપણ સંજોગોમાં બગાડ ન થાય તેની તકેદારી રાખવાની ખાતરી આપી હતી.
પાણીના ટાંકા છલાકાતા જોવા મળે તેને નોટિસ અપાશે
રહેણાક વિસ્તારોમાં જે ઘરોમાં પાણીનાં ટાંકા છલકાઈને પાણી રસ્તા ઉપર આવી જતું હોય તે કનેક્શન ધારકોનાં નામો લખીને પાલિકાને સુપરત કરવા માટે વાલ્વમેનોને સૂચના અપાઈ હતી. તેમના દ્વારા અપાતા નામોને ધ્યાને લઇ પાલિકા દ્વારા પહેલા નોટિસ ફટકારાશે તેમ છતાં પણ પાણીનાં ટાંકા છલકાતા જોવા મળશે તો પાણીનાં કનેક્શનો કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં ડાયરેક્ટ લાઈનમાંથી લીધેલા કનેક્શનોની તપાસ
રહેણાક મકાનોનાં એકથી વધુ પાણીના કનેક્શન હોય તો તેની તપાસ કરવી, પાણીના કનેક્શન માટે મંજૂરી લીધેલી પાઇપના ડાયાફ્રેમની ચકાસણી કરીને તેની નોંધ કરવા સૂચના અપાઇ છે. આ સિવાય જે રહેવાસીઓનાં ઘરે ચોવીસ કલાક પાણી ચાલુ રહેતું હોય તેવું ધ્યાને આવે તો તેના પાણીનાં કનેક્શનની પણ તપાસ કરવામાં આવે. કારણ કે, ડાયરેક્ટ લાઈનમાંથી કનેક્શન લેવું ગેરકાયદે છે, તેને તરત કટ કરીને ઓફલાઈનમાંથી કનેક્શન આપવા માટે સૂચના અપાઈ છે.
વાલ્વમેનો પોતાના કામમાં બેદરકારી દાખવશે તો કરાશે છૂટી
પાલિકા હસ્તકના ખાસ કરીને ભુજ શહેરના 22 જેટલા વાલ્વમેનો કામ કરી રહ્યા છે, ત્યારે તેમના દ્વારા કામગીરી દરમ્યાન કોઇપણ પ્રકારની ત્રુટી ન રહે તે બાબતે તકેદારી રાખવા માટે પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. પાણી વિતરણમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. પાલિકા દ્વારા હવેથી બેદરકારી સબબ છૂટા કરવા સુધીની ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે.
વોર્ડમેનોને કોમર્શિયલ પાણીના કનેક્શનોની તપાસ કરવા સૂચના
શહેરના તમામ વોર્ડના વોડમેનોને પણ ઉભરાતી ગટર અને પાણીની લાઈન લીકેજની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય તેમના વોર્ડમાં આવતા તમામ કોમર્શિયલ સંસ્થાનો જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ સહિતમાં લેવામાં આવેલા પાણીના કનેક્શનો કાયદેસર છે કે ગેરકાયદેસર? તેની તપાસ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ગેરકાયદે કનેક્શન લઇને પાણીની ચોર કરતાં નજરે પડે તો તાત્કાલિક અસરથી કનેક્શનો કટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.













