સાયલાના સુદામડા ગામે આવેલી એક ખાનગી શાળાના બાળકોને પરત મૂકવા નીકળેલી સ્કૂલ વાનને વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે પૂરપાટ જતા ડમ્પરે ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સમયે વાનમાં સવાર 10થી વધુ બાળકો તથા ચાલકને સામાન્યથી લઈ ગંભીર ઈજાઓ થવાથી તુરંત સુદામડા તથા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


બાળકોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો

તેમજ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવાયેલા કુલ 6 પૈકી 1 બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય રોહિત ભરતભાઇ વજકાણી નામના વિદ્યાર્થીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાઓ પામેલા બાળકોની સારવાર ચાલી રહી છે. અક્સ્માત સર્જી ડમ્પર ચાલક વાહન લઈ નાસી છૂટ્યો હતો. સુદામડા ગામે આગામી સમયમાં ભાગવત કથા યોજવાની હોય જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાનગી શાળાના બાળકો ભાગ લેવાની તૈયારી કરવા આવ્યા હતા, તેમજ પરત જતા સમયે વાનને ડમ્પર રૂપી કાળનો ભેટો થઈ જતા બાળકોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. રજાના દિવસે બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરવા બોલાવતા ખાનગી શાળા સંચાલકોની ઘોર બેદરકારી પણ છતી થવા પામી હતી.

ખાનગી સ્કૂલની ઈકો કાર સાથે અક્સ્માત સર્જી ડમ્પર નાસી છૂટ્યું

અક્સ્માત સમયે વાંટાવચ્છ ગામના બસ સ્ટેશન પર હાજર લોકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. સ્કૂલ વાનને અક્સ્માત થયાના સમાચાર મળતા બાળકોના વાલીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ડમ્પર સાથેના અકસ્માતમાં શાળાની વાનમાં બેસેલા 10થી વધુ ઈજાગ્રસ્ત બાળકોમાંથી કુલ 6 જેટલા વધુ ઈજાઓ પામેલાને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં બે જેટલા બાળકોની હાલત નાજુક હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. સાયલા તાલુકામાં ખનીજનું પરિવહન કરતા ડમ્પરોને કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે વધુ એક ડમ્પરે બાળકો ભરેલી ઈકો કારને અડફેટે લઈ અક્સ્માત સર્જી એક ભૂલકાનો ભોગ લેનાર ચાલક વિરૂદ્ધ લોકોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. અક્સ્માત બાદ સાયલા પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને નાશી છૂટેલા ડમ્પરની શોધખોળ હાથ ધરી આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

  • Follow us on: