ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામા બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આજે(10 મે) રાત્રે 8:00 વાગ્યાથી લઈ આવતીકાલે સવારે 6:00 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે.બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટરે લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.


જામનગરમાં આજે બ્લેક આઉટ

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ભારતીય સેનાના હુમલાથી ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ પર ડ્રોન છોડી રહ્યું છે. જામનગરમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ આ હુમલાને હવામાં જ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારે જામનગરની સ્થિતિ જોતાં તંત્રએ નાગરીકોને આજે રાત્રે 8:00 વાગ્યાથી લઈને સવારે 6:00 વાગ્યા સુધી બ્લેક આઉટનું પાલન કરવાની અપીલ કરી છે.

જામનગરવાસીઓને ઘરની બહાર ન નીકળવા કરી અપીલ

આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર, ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે નાગરિકોને કલેક્ટર કેતન ઠક્કરે અપીલ કરી છે. સાથે જ જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગરમાં પાકિસ્તાનના ડ્રોનથી હુમલાનો પ્રયાસ નિષ્ફળ

પાકિસ્તાનના દરેક પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી રહી છે. કારણ કે જામનગરમાં પાકિસ્તાનના ડ્રોનથી હુમલાનો પ્રયાસ એ ભારતે નિષ્ફળ કર્યો હતો. આ ઘટના બાદ આખા શહેરમાં અંધારપટ છવાયો હતો અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા

ગુજરાતના જામનગરમાં આજે વહેલી સવારે 4:00 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું જેને ભારતીય સેનાએ તરત જ તોડી પાડ્યું હતું. સુદર્શનથી પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હોવાની માહિતી સામે આવી છે. ભારતે પાકિસ્તાનના કુલ 50 ડ્રોન હવામાં તોડી પાડ્યા છે.

ભારતે પાકિસ્તાન પર કરી આકરી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.


  • Follow us on: