નવસારીના ચીખલી તાલુકાની મુખ્ય બે નદીઓ ચોમાસામાં ભારે વરસાદ થતા ગાંડીતૂર બને છે. વરસાદના પાણી કેટલીક વખત નદીઓનું જળસ્તર વધારી દે છે. અને આ પાણી કેટલીક વખત ગામમાં ફરી વળતા ભારે તબાહી સર્જે છે. ચીખલી તાલુકાની એક નદી પાસેથી આજે રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવાનનો મૃતદેહ
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ચિખલી તાલુકામાં ખરેરા નદી પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. માલિયાધરામાં ખરેરા નદીથી થોડે જ દૂર અવાવરૂ જગ્યાએ નાની ઝાડીઓમાં એક યુવાન પડ્યો હતો. દરમિયાન સ્થાનિકોએ યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા મામલો શંકાસ્પદ લાગ્યો. કારણ કે નદીથી થોડે દૂર નાની ઝાડીમાં આ યુવાન અચેતન પડ્યો હતો અને કોઈપ્રકારની હિલચાલ કરતો નહતો. સ્થાનિકોને આ બાબત વધુ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી.
હત્યા કે આત્મહત્યા પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી. મલિયાધરા ગામે ખરેરા નદી પાસે પડેલ યુવાન મૃત્યુ પામ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું. યુવાનના મૃતદેહની આસપાસના વિસ્તારની તપાસ કરતાં 100 મીટરના અંતરે મૃતકની કાર પણ મળી આવી. તેની તપાસ કરતાં સામે આવ્યું કે યુવાન સોલધરાનો વતની છે અને વાંસદા તાલુકામાં આરોગ્ય કર્મચારી તરીકે બજાવતો હતો. ખરેરા નદી પાસેથી રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળવા મામલે હત્યા કે આત્મહત્યા છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.