છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે
અહીંના ખેડૂતો વર્ષમાં બે વાર,ચોમાસું અને ઉનાળુ, એમ બે ડાંગરના પાક લે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા હતી. બે વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે. પરંતુ, મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ સર્જી છે.તોફાની પવનો સાથેના ભારે વરસાદમાં ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો હતો.જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી.
વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે
જોકે વરસાદી માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાત-દિવસ એક કરીને, ચાઈના મશીનોની મદદથી પાક કાપી તો લીધો ડાંગર બચી ગયાનો સંતોષ તો થયો પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઉભી થઈ છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગરના વેચાણનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યો છે. સામાન્ય રીતે, ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે.
સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય તેવી ખેડૂતોની આશા
આ વર્ષે વેપારીઓ 16 કે 14 ટકા ભેજ હોય તો જ ખરીદી કરે છે અને ભાવમાં પણ 3400 રૂપિયા આરાના મળતા હતા એના અત્યારે 2400-2500 રૂપિયા માંડ આપે છે. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય છતાં સંઘ કે મંડળીઓમાં પણ જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે. નવસારીના ડાંગર પકવતા ખેડૂતો કુદરતી આફત અને વેપારીઓની મનમાની, આ બેવડા મારથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એક જ અપીલ છે કે સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય. હવે જોવું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લે છે.













