પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતીય સેનાએ જડબાતોડ જબાવ આપ્યો છે.ત્યારે હવે લોકો 1971માં થયેલુ ભારત પાકનું યુદ્ધ વાગોળી રહ્યા છે.ત્યારે સંદેશ ન્યૂઝે બોટાદના વડિલો પાસેથી એ સમયે કેવી સ્થિતિ હતી તેની વાતચીત કરી છે.
1971માં ભારત પાકનું યુદ્ધ થયું હતું તે સમયે કેવી સ્થિત હતી,કેવો માહોલ હતો,લોકોમાં કેવો ડર હતો,તંત્ર દ્વારા કેવી તૈયારીઓ હતી અને લોકોને કેવી રીતે સજાગ કરતા હતા તે તમામ વાત જાણવા સંદેશ સાથે બોટાદના વડિલોએ 1971ના યુધ્ધની યાદોને સંદેશ ન્યુઝ સમક્ષ તાજી કરી હતી.
1971નું ભારત-પાકનું યુદ્ધ લોકોએ વાગોળ્યું
1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયના માહોલને વાગોળતા એ સમયના યુવાનો અને હાલના વડીલો એ સંદેશ ન્યુઝને માહિતી આપતા જણાવ્યું હતું કે 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે માત્ર છાપાનું ચલણ હતું.રેડિયો જેવા સાધન પણ કોઈક પાસે જોવા મળતા,ટીવીનો જમાનો ન હતો. તંત્ર દ્વારા ઘોડાગાડી પર માઈક ફેરવી લોકોને જણાવવામાં આવતું કે સાંજે ઘરમાં લાઈટો બંધ રાખવી, રાત્રે કોઈ એ બહાર ન નીકળવું,સ્ટ્રીટ લાઇટો બંધ રાખવી એ વખતે બાંગ્લાદેશ પર ખૂબ જ દબાણ હતું જેથી લોકોમાં યુદ્ધને લઈ ઉત્સાહ હતો.જ્યારે ગામડાઓમાં તો લાઈટો પણ ન હતી અને માત્ર ફાનસ હતા.
એ સમયે ઢોલ વગાડીને જાગૃત કરવામાં આવતા
આ દરમિયાન માત્ર રેડિયોમાં સમાચાર આવતા કે 6 વાગ્યા પહેલા વાળું પાણી કરી લેવું અને અંધારપટ કરી સુઈ જવું અને આ યુદ્ધના સમયે આકાશમાંથી પ્લેન નીકળે એટલે ડર પણ લાગતો હતો.ગામડામાં મૂખી દ્વારા ઢોલ વાળાને બોલાવી ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવામાં આવતા.તેમજ ગામડામાં નિશાળે ભણવા જતા બાળકો ને યુદ્ધના સમાચાર આવતા તેમના વાલીઓ ખેતી કામ પડતું મૂકીને નિશાળેથી તેડી તેડીને ઘરે લઈ જતા અને સાંજના પાંચ વાગ્યે જમાડીને રૂમમાં પૂરી દેતા હતા.