ગઢડા(સ્વામીના) તાલુકાના ઢસા નજીક આવેલા સીતાપર ગામે વડિલોપાર્જિત જમીનના વિવાદ પ્રકરણે ભાઈઓ વચ્ચે ઝઘડો મારામારી થતાં વચ્ચે પડેલા મોટાભાઈને લોખંડનો પાઈપ વાગી જતા મોત નિપજ્યું છે. આ હત્યા માટે કારણભૂત ચાર વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે.


મોટાભાઈ કરમશીભાઈ ઝઘડામાં વચ્ચે પડી છૂટા પાડવા ગયા હતા

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ઘોર કળીયુગના પ્રભાવ સમાન સીતાપર ગામે જમીન વિવાદમાં બનેલા બનાવમાં જમીન ધારક માતા-પિતાનું ભરણપોષણ કરે તે જમીન વાવે તેવુ નક્કી થયું હતું. તેમજ વિજયભાઈ ઓળકિયા તેમના માતા-પિતાને સાથે રાખતા હોવાથી જમીન વાવતા હતા. ત્યારે ગઈકાલે સાંજે વિજયભાઈ અને તેમના ભાઈ નિરુભાઈ વચ્ચે જમીન મુદ્દે ઝઘડો અને મારામારી થતાં હાજર રહેલા મોટાભાઈ કરમશીભાઈએ ઝઘડામાં વચ્ચે પડી તેમને છૂટા પાડવા ગયા હતા. પરંતુ લોખંડના પાઈપનો ઘા વાગી જતા ગંભીર ઈજાઓ થતાં કરમશીભાઈને બોટાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું અને હત્યાનો ગુન્હો બન્યો હતો.

પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

આ બાબતે સામા પક્ષના ચારેય આરોપીઓને પણ ઈજાઓ થતાં અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ હત્યાના પગલે મૃતક કરમશીભાઈના ભાઈ વિજયભાઈએ નીરુભાઈ ભીખાભાઈ ઓળકિયા, રસીલાબેન ભીખાભાઈ ઓળકિયા, રાહુલભાઈ નીરુભાઈ અને અનિલ નિરુભાઈ સામે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: