સુરતમાં કાફે સંચાલક પાસે ઠગાઈ થઈ છે જેમાં ફાર્મહાઉસ આપવાના બહાને 3 લોકોએ કરી ઠગાઈ તો રૂપિયા લીધા બાદ ફાર્મહાઉસનો કબ્જો ન આપ્યો અને કાફે સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો પોલીસે સમીર ગોરકીયા, જીતેશ વઘાસીયા, મનોજ શુક્લા સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે, અઠવાલાઈન્સ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


સબજેલ સામે મદ્રાસ કાફે નામથી હોટલ ચલાવે છે ફરિયાદી

રિંગરોડ જૂની સબજેલ સામે મદ્રાસ કાફેના સંચાલકને કામરેજના હલધરૂ ગામે ફાર્મહાઉસ અપાવવાના નામે ત્રણ યુવકોએ રૂ. ૧.૧૦ કરોડ લઈને ઠગાઈ કરી હતી. ઠગ ત્રિપુટીએ નાણાં લીધા પછી ફાર્મનો કબજો ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અઠવા પોલીસના જણાવ્યા મુજબ સગરામપુરા હીરા મોદીની શેરીમાં રહેતા જયેશ અંબારામ ચૌહાણ જૂની સબજેલ સામે મદ્રાસ કાફે નામથી હોટલ ચલાવે છે. તેમની ૨૦૧૭માં ભાણેજ સની ચૌહાણના મિત્ર સમીર મહેશભાઈ ગોળકીયા સાથે ઓળખાણ થઇ હતી.

રવતમલ ગાંધી પાસેથી જીતેશ વિઠ્ઠલભાઈ વઘાસિયાએ ફાર્મ ખરીદ કર્યુ છે

ભાણેજ સાથે મિત્ર સમીરના ઘરે અવરજવર દરમિયાન સમીરે જણાવ્યું છે કે, હું જમીન દલાલ છું અને મિલકતના ટાઇટલ ક્લીયર કરાવી આપું છે. તેની જાણમાં કામરેજના હલધરૂ ગામે બ્લોક નં. ૨૦૬ની જમીન ઉપર એપલ પુલ વિલા નામના ફાર્મમાં વિલા-૧૧ છે. આ જમીન ૭-૧૨ના રેકર્ડ ઉપર બ્લોક નં.૭૭૯ થી નોંધાયેલી છે. જમીનના મૂળ માલિક અને ઘોડદોડ રોડ પર રહેતા બિલ્ડર મેઘરાજ રવતમલ ગાંધી પાસેથી જીતેશ વિઠ્ઠલભાઈ વઘાસિયાએ ફાર્મ ખરીદ કર્યુ છે. જયેશ અને તેના પરિવારે આ જગ્યાએ લઈ જતાં ફાર્મહાઉસ પસંદ આવ્યું હતું. જૂન ૨૦૧૮ માં રૂ. ૧.૩૫ કરોડમાં સોદો નક્કી થયો હતો.

ફાર્મહાઉસ રિનોવેશન અને ફર્નિચરના રૂ. ૧૪.૪૦ લાખનો ખર્ચો કર્યો હતો

સમીર અને જીતેશે આઈએફએલ બેંકના એજન્ટ મનોજ શુકલાને મળી ફાર્મહાઉસ પર રૂ. ૭૭.૩૦ લાખની લોન ચાલુ છે. જે લોનના હપ્તા ભરવા વાત કરી હતી. આ ત્રિપુટીએ જયેશ ચૌહાણ પાસેથી ૨૭જુલાઈ ૨૦૧૮થી તા. ૨૭ જુલાઈ ૨૦૨૨ સુધીમાં રૂ. ૪૭,૪૫,૪૬૩ એજન્ટ મનોજ શુક્લાને ચૂકવ્યા હતા. સમીરને ચેક અને રોકડ મળી રૂ. ૪૮,૪૩,૦૦૦ આપ્યા હતા. જેમાં ફાર્મહાઉસ રિનોવેશન અને ફર્નિચરના રૂ. ૧૪.૪૦ લાખનો ખર્ચો કર્યો હતો. આ ત્રિપુટીએ રૂ. ૧,૧૦,૮૮,૯૯૩ લીધા બાદ પણ ફાર્મહાઉસનો કબજો આપ્યો ન હતો. ઉપરાંત આ ફાર્મને જયેશની જાણ બહાર અન્યને બારોબાર વેચી નાંખ્યું હતું. બાકી રહેલા રૂ. ૭.૫૦ લાખ માટે સમીર ગોળકીયાએ મારી નાંખવાની ધમકી આપી હતી. સમીર મહેશભાઈ ગોળકીયા (રહે. કંતારેશ્વર સોસાયટી, કતારગામ અને હાલ ગ્રીન સિટી ગોલ્ડ ફલેટ, પાલ) અને જીતેશ વિઠ્ઠલભાઈ વઘાસિયા (રહે. ન્યૂ શક્તિવિજય સોસાયટી, નનસાડ કામરેજ) તેમજ આઆઈએફએલ બેંકના કલેક્શન એજન્ટ મનોજ શુકલાએ ઠગાઈ કરતાં અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

  • Follow us on: