સુરતમાં કતારગામની જ્વેલરી કંપનીનું ઉઠામણું થયું છે, જ્વેલરી કંપનીનું 18 કરોડમાં ઉઠામણું થતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે, મૂળ અમરેલીના માલિક છેલ્લા 10 દિવસથી ગાયબ થતા ખબર પડી કે કંપનીએ ઉઠામણું કર્યું છે, સુરતના હીરા વેપારીના 7 કરોડ ફસાયા છે. કંપની વેપારીઓને જ્વેલરી જોબવર્ક કરી આપતી હતી.


હીરા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

હીરાબજારની ડામાડોળ પરિસ્થિતિને કારણે રત્નકલાકારોની તો હાલત કફોડી જ બની છે. તેની સાથે હવે જોબવર્કની હીરાની જવેલરી તૈયાર કરી આપનાર કતારગામની એક જવેલરી કંપનીએ પણ ૧૮ કરોડથી વધુની રકમનું ઉઠમણું કરતા લેણદારો દોડતા થઇ ગયા છે. તેમાં પણ સુરતના હીરા વેપારીઓના ૭કરોડ જ્યારે દિલ્હી અને ઉત્તર ભારતના વેપારીના ૫ કરોડ ફસાયા છે. તે સિવાય અન્ય લોકોના પણ નાણાં ફસાયા હોવાની હકીકતો જાણવા મળી છે. અને સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષોથી જવેલરી જોબવર્કથી બનાવી આપતી કંપની સાથે સંકળાયેલા વેપારી છેલ્લા કેટલાય સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હતા.

છેલ્લા ૧૦ દિવસથી કંપની બંધ કરીને રવાના થઇ ગયા

તે દરમિયાન લેણદારોએ વસૂલાત માટેની ભીંસ વધારતા છેલ્લા ૧૦ દિવસથી કંપની બંધ કરીને રવાના થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી છે. ૧૦ દિવસથી કંપનીના માલિકનો કોઈ અતોપતો મળતો નહીં હોવાના લીધે લેણદારોની હાલત સૌથી વધુ કફોડી બની છે. કારણ કે હાલમાં હીરાબજારની સ્થિતિ સારી નહીં હોવાના લીધે મોટાભાગના લોકો ફૂંકી ફૂંકીને વેપાર કરી રહ્યા છે. તેમાં હીરાની કંપનીએ જ ઉઠમણું કરતા અનેક લોકો દોડતા થઇ ગયા છે.

જવેલરી જોબવર્કથી તૈયાર કરીને આપતી હતી

આ કંપની દ્વારા સુરત ઉપરાંત દિલ્હી, મુંબઈના વેપારીઓ સાથે વ્યવહાર કરીને તેઓની જવેલરી જોબવર્કથી તૈયાર કરીને આપતી હતી.છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી હીરાબજાર સાથે સંકળાયેલાઓની હાલત સૌથી વધુ ખરાબ છે. તેઓ પણ આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરશે તેવી આશાએ હાલ તો ગાડું ગબડાવી રહ્યા છે, કારણ કે જયારથી રશિયા અને યૂકેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ હતી ત્યારથી જ હીરાબજારની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જતી હતી. કેટલીક વખત થોડી આશા જાગ્યા બાદ ફરી પાછી તેવી જ સ્થિતિ પેદા થવાના લીધે હીરાબજાર સાથે સંકળાયેલા કેટલાય લોકોએ પોતાનો વેપાર સુધ્ધાં બદલી નાંખ્યો હતો.


  • Follow us on: