રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો જાણે કે રાફ્ડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં સેન્ટ્રલ GST ઓફિસનો CGST ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. CGST ઈન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બૈરવા 2,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. GST નંબર આપવા બાબતે પોઝિટિવ રિપોર્ટ કરવા આરોપી લાંચીયા CGST ઈન્સપેક્ટરે લાંચ માગી હતી. અરજદારના પિતાને GST નંબર આપવા બાબતને લઈને તેમના ઘરે જઈ સ્થળ વિઝીટ કરી તેના ફોટા પાડી લાંચ માગી હતી.


ACBએ ઈન્સ્પેક્ટરને 2,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો

જો કે અરજદારે પાલનપુર ACBનો સંપર્ક સાધતાં ACBએ છટકું ગોઠવીને આ લાંચિયા CGST ઈન્સ્પેક્ટરને રૂપિયા 2,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પાલનપુર ACBની ટીમે આરોપી CGST ઈન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બરૈયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અનેક જગ્યાએથી લાંચ લેતા પકડાયા છે. લાંચ લેવા માટે અધિકારીઓ અરજદારોના કામ અટકાવે છે અને ખોટા ખોટા ધક્કા ખવડાવીને હેરાન કરતા હોય છે.

13 મેના રોજ વડોદરામાં ખાણ ખનીજ વિભાગનો કલાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો

વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો હતો. યુવરાજસિંહ ગોહિલ 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. રેતીની અરજી મંજૂર કરવા માટે સિનિયર કલાર્કે ફરિયાદી પાસે લાંચની રકમ માગી હતી. જો કે આ સમગ્ર ઘટના વિશે ACBને જાણ કરતાં ACBની ટીમે છટકુ ગોઠવીને અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચમાં મદદગારી બદલ અન્ય 3 સામે પણ ગુનો નોંધાયો હતો. ખાણ ખનીજ વર્ગ 2 અધિકારી રવિ મિસ્ત્રી સામે ગુનો નોંધાયો હતો તો આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર સામે અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંકેત પટેલ સામે ગુનો નોંધાયો હતો.


  • Follow us on: