• રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસમાં સતત વધારો
  • એક જ દિવસમાં બે શંકાસ્પદ દર્દીને એડમિટ કરવામાં આવ્યા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે શંકાસ્પદ દર્દીને એડમિટ કરવામાં આવ્યા છે, એક 10 વર્ષીય દર્દી બનાસકાંઠાનો છે અને બીજો 2 વર્ષીય દહેગામના દર્દીને દાખલ કરાયા છે.

વાલીઓને સાવચેતી રાખવા માટે અપીલ

બંને બાળકીઓને એડમિટ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જો કે બંનેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે, પરંતુ શંકાસ્પદ 2 દર્દીને ચાંદીપુરા વોર્ડમાં હાલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 9 દર્દીના સેમ્પલ પુણા મોકલવામાં આવ્યા હતા તો 9માંથી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જેમાંથી એક દર્દી સાજો થઈ જતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો અને 1 દર્દીનું મોત થયુ છે. જ્યારે અન્ય રિપોર્ટ નેગવટિવ આવ્યા છે, જો કે વાલીઓને સાવચેતી રાખવા માટે સિવિલના તબીબે અપીલ કરી છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 35થી વધુ બાળકોના મોત થયા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં જ ચાંદીપુરા વાયરસના કેસ વધીને 85થી વધુ નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 35થી વધુ બાળકોના મોત થયા છે. ત્યારે હવે કેન્દ્રની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ત્યારે ઘાતક બનેલા ચાંદીપુરા વાયરસના કેસોને રોકવામાં તંત્ર નિષ્ફળ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કેસના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.

અનેક વિસ્તારોમાં કેસ આવ્યા સામે

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસો નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે. અરવલ્લી અને ખેડા 6-6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા 4-4 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ જ્યારે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. વડોદરા,ભાવનગર, દ્વારકા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.


  • Follow us on: