ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાણેજ ગામે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર એકનું મોત નિપજ્યું હતું.જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.


પાણજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના પાણજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોને ઇજા પહોંચી છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. વડદલા વસાહત સાસરીમાંથી પરિવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ ગયો

અકસ્માતમાં મોતને ભેટેલા રાજુભાઈ રાઠવા રાયસીંગપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. તેમના મૃતદેહને પીએમ અર્થે બોડેલીની સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહન ચાલકને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.


  • Follow us on: