રાજ્યમાં ફરી એક વખત ધીરે ધીરે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 5 જૂને શહેરમાં એક જ દિવસમાં 6 લોકોને કોરોના થયો છે. શહેરમાં કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તમને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગે 34 દર્દીઓના સેમ્પલ લીધા હતા, જે પૈકી 6 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ દિવસમાં 6 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે શહેરના છાણી, રામદેવ નગર, દિવાળીપુરા અને ભાયલી વિસ્તામાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. હાલમાં આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. જો કે દર્દીઓની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગે પણ નાગરિકોને થોડી સાવચેતી રાખવા માટે અપીલ કરી છે, ઘરની બહાર જાય તો મોઢે રૂમાલ કે માસ્ક પહેરવા અને ઘરે પરત આવીને સ્વચ્છ પાણીથી હાથ ધોવા માટે અપીલ કરી છે.
ગોંડલમાં 2 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા
બીજી તરફ ગોંડલમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી છે. ગોંડલ શહેરમાં આજે 2 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં બંને દર્દીઓની સ્થિતિ નોર્મલ છે. ગોંડલ શહેરના દાસીજીવણ પાર્ટી પ્લોટ સામે સુમરા સોસાયટી રોડ પર 41 વર્ષીય પુરૂષ અને વોરાકોટડા રોડ પર આસોપાલવ સોસાયટીમાં 40 વર્ષીય પુરૂષનો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ બંને દર્દીઓને પોતાના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલ બંનેની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી, જો કે કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ડરનો માહોલ સાથે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.