દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતાં. ત્યાર બાદ તેમની સામે વધુ એક ફરિયાદ થતાં પોલીસે તેમની ફરીવાર ધરપકડ કરી હતી.જેમાં બળવંત ખાબડના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં. હવે આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા સરકારી અધિકારીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.જેમાં તત્કાલિક ટીડીઓ દર્શન પટેલ,દાહોદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા સહિત GRSના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
સરકારી અધિકારીઓને પણ કોર્ટે જામીન પર મુક્ત કર્યા
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. તેમના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા બાદ ફરીવાર જેલ ભેગા કરાયા હતાં. બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ હતી. બળવંત ખાબડની એજન્સીને રૂ.33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદ કરાઈ હતી.હવે આ કેસમાં સરકારી અધિકારીઓને પણ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. ત્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે, મંત્રી પુત્રોની જેમ આ અધિકારીઓની પણ ફરીવાર ધરપકડ થશે?
મંત્રીના બંને પુત્રોની ફરીવાર ધરપકડ
અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ પુત્રોની ધરપકડ બાદ સતત સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા હતાં.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.આના પરથી એવું કહી શકાય કે, સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ભ્રષ્ટાચારીઓને કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય.