હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જેના લીધે જનજીવન ભારે અસરગ્રસ્ત થઈ જવા પામ્યું છે. વરસાદના લીધે લોકો હેરાન થયા છે. તો ક્યાંક ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો વરસાદી માહોલની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં અને ધાનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
દાહોદમાં હળવો વરસાદ વરસ્યો
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા ભારે ઉકળાટ પછી લોકોને ગરમીમાં રાહત મળી હતી. તેમજ દાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી ગયો હતો. જેના લીધે શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાયું હતું. વાહન ચાલકો અને રાહદારીઓ હેરાનીમાં મૂકાયા હતા. દાહોદ સહિત ધાનપુરાના આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
લોકોએ ગરમીમાં રાહત અનુભવી
દાહોદના ગ્રામ્ય વિસ્તારો ધાનપુર, વાખસીયા, પીપેરો સીમામોઈ જેવા અમુક ગામોમાં છુટોછવાયો વરસાદ વરસી ગયો હતો.વરસાદને લઈને ગ્રામ્ય પંથકમાં ગરમીમાં લોકોને ભારે રાહતનો અનુભવ થવા પામ્યો હતો. તો જિલ્લામાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.વરસાદ વરસતા ખાડાઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.તો ગુજરાતના જિલ્લાઓ સાબરકાંઠા,ખેડા,દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. તે મુજબ દાહોદના હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો.