- મણિનગરના દાસ ખમણમાંથી મરેલી જીવાત નીકળી
- ખમણ ખાધા બાદ પરિવારે AMCમાં ફરિયાદ કરી હતી
- AMC આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ કરાઈ
શહેરોમાં મોટા મોટા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ થી માંડીને ફૂડ ટ્રકમાંથી ખાવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે. ત્યાં હવે મણિનગરમાં આવેલા જાણીતા દાસ ખમણની દુકાનમાંથી ગ્રાહકને અપાયેલી ચટણીમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગ્રાહકે જ્યારે દુકાનનો સંપર્ક કર્યો તો, તેને ત્યાં જઈને ચટણી બદલી આવવા માટે કહેવાયું, આટલી મોટી બેદરકારી બાદ પણ દુકાન માલિકનો આવો વ્યવહાર જોઈને ગ્રાહકે AMCમાં ફરિયાદ કરી હતી.
દાસ ખમણની ચટણીમાં જીવાત
વિગતો મુજબ, શહેરના અમરાઈવાડીમાં અલ્કેશ પરમાર નામના વ્યક્તિએ મણિનગરમાં આવેલા દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની વસ્તુઓ ખરીદી હતી અને ઘરે આવ્યા હતા. જોકે ખમણ સાથે આપેલી ચટણી ખાધા બાદ તેમના પત્ની તથા બાળકોનો વોમિટ જેવું થતું હતું. ચટણીમાં જોતા અંદર મરેલી જીવાત હતી આથી તેઓ દુકાન પર ગયા હતા અને હાજર વ્યક્તિઓને ચટણી બતાવી હતી.
ગ્રાહકે AMCમાં ફરિયાદ કરી
દુકાનમાં જઈને વ્યક્તિને ફરિયાદ કરતા તેણે માત્ર ચટણી બદલી આપવાનું કહીને હાથ ખંખેરી લીધા હતા. આથી તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ AMC આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા ખમણની દુકાને સીલ કરાઈ હતી.
દાસ ખમણની તપાસમાં મરેલા વંદા નીકળ્યાં
દાસ ખમણની દુકાનમાંથી તપાસ દરમિયાન મરેલા વંદા જોવા મળ્યાં હતાં. ત્યારે હવે જોવાનું રહેશે કે AMC દ્વારા દાસ ખમણ સામે શું કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા પણ દાસ ખમણમાંથી ભૂતકાળમાં અનેક વખત આવી ઘટના સામે આવી ચૂકી છે. ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ મારવામાં આવી હતી.