બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના રહેણાંક વિસ્તારોમાં પાલિકા દ્વારા શહેરીજનોને પીવા અને ઘર વપરાશ માટે ધરોઈ ડેમ જૂથ યોજના અંતર્ગત પાણી પૂરું પડાઈ રહ્યું છે. પરંતુ શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની એક એવી સોસાયટી છે કે જે સોસાયટી 2018માં નિર્માણ પામી છે. 2019માં સોસાયટીમાં લોકો રહેવા આવી ગયા અને પાલિકાએ આ સોસાયટીની આકારણી કરી ત્યારથી જ આ વિસ્તારના લોકોને પાલિકાના ટેક્સો લાગુ પડવા લાગ્યા છે.


ધરોઈ ડેમનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો

વર્ષ 2019થી આ વિસ્તારના લોકો પાલિકાના ટેક્સ ભરતા હોવા છતાં પણ 2019થી આજ દિન સુધી પાલિકાએ આ સોસાયટીના રહીશોને પીવા યોગ્ય ધરોઈ ડેમનું પાણી પૂરું પાડ્યું નથી. જો કે 2021થી આ વિસ્તારના રહીશોની માગ છે કે વિસ્તારના રહીશોને ધરોઈ ડેમનું પાણી પૂરું પડાય અને આ માગને લઈ સ્થાનિકએ વર્ષ 2021થી આજ દિન સુધી પાલિકાથી લઈને સીએમ કચેરી સુધી અનેક વખત લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાં આ વિસ્તારના રહીશોને ધરોઈ ડેમનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે અને ધરોઈ ડેમના પાણીની માગ સાથે મહિલાઓ હવે રણચંડી બની છે અને મહિલાઓએ આજે સોસાયટી આગળ માટલા ફોડી વિરુદ્ધ પ્રદર્શિત કર્યો છે.

ગાંધીનગર સુધી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી ઉચ્ચારી

મહત્વની વાત છે કે વર્ષ 2021થી પાલિકાને લેખિત રજૂઆત કરતા સ્થાનિકોને વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી સમયે પાલિકાએ લેખિત જવાબ આપ્યો હતો અને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાને કારણે લોકસભા ચૂંટણી સમયે પાલિકાએ પાણી ન આપ્યું, પરંતુ આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાં જ આ વિસ્તારના રહીશોને ધરોઈ ડેમનું પાણી મળી રહેશે, જોકે એ વાતને પણ આજે વર્ષ વીતી ગયું તેમ છતાં પણ સ્થાનિકોને ધરોઈનું પાણી ન મળ્યું અને આજે પણ આ વિસ્તારના લોકો ટેન્કર દ્વારા પાણી મગાવવા મજબુર બન્યા છે. ત્યારે વર્ષ 20021થી પાણની માગ સાથે રજૂઆતને વરેલા આ વિસ્તારના લોકો આજે પણ માત્ર રજૂઆતો કરવા જ મજબૂર બન્યા છે. જોકે રોષે ભરાયેલા લોકોએ આજે માટલા ફોડી વિરુદ્ધ પ્રદર્શિત તો કર્યો, પરંતુ જો હવે બે ત્રણ દિવસમાં આ વિસ્તારના રહીશોને પાલિકા દ્વારા ધરોઈનું પાણી નહીં પૂરું પડે તો હવે સ્થાનિકોએ ગાંધી ચિધ્યા માર્ગે વળી નગરપાલિકાએથી લઈ ગાંધીનગર સુધી માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કરી પાણી લઈને રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું રહેશે કે વર્ષ 20021થી આ વિસ્તારના લોકોની માગ ન સ્વીકારનાર પાલિકા હવે આ વિસ્તારના સ્થાનિકોની માગ સ્વીકારે છે કે પછી આ સ્થાનિકો પાલિકાથી લઈ ગાંધીનગર સુધી માટલા ફોડવા મજબૂર બને છે.

  • Follow us on: