ધોરાજીના સુપેડીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આયુર્વેદીક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું રોડ ક્રોસ કરતી વખતે કારની ટક્કરે મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે. યુવતીને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉપલેટા પોલીસે અકસ્માતની ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટનામા યુવતીનું મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે.તાલાળા ગામમાં રહેતી અને સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતા બેન જીવરાજ ભાઈ વાળાનું હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું છે.આ યુવતી કોલેજનું વેકેશન પૂર્ણ થવાનું હોવાથી બસમાં નિકળી હતી અને સુપેડી ગામે ઉતરી હતી. તે કોલેજ તરફ રોડ ક્રોસ કરતી વખતે પાછળથી આવેલી કારે તેને અડફેટે લીધી હતી. કાર ચાલક યુવતીને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

અકસ્માત થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને એક કારમાં યુવતીને ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતી અને તેમના પરિવારજનો અને સુપેડી ગામમાં આવેલ ઈવા આયુર્વેદ કોલેજમાં આ ઘટનાને લઈને શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટીનાં સીસીટીવી કેમેરામાં ઘટનાની તપાસ કરી રહી છે.


  • Follow us on: