રાજકોટના સરધારના પૂર્વ ઉપ સરપંચની હત્યા કરીને ભાગી ગયેલો શંકાસ્પદ શ્રમિક આખરે હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. આ હત્યારો મનોજ મધ્યપ્રદેશની બોર્ડરથી ઝડપાયો છે. રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતા પૂર્વ ઉપ સરપંચ હરેશભાઈ સાવલિયાની બે દિવસ પહેલા તેમની જ વાડીમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. હરેશભાઈ સાવલિયાની હત્યા બાદ ભારે ચકચાર મચી ગઈ હતી. આજી ડેમ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધી શંકાસ્પદ મનોજ શ્રમિકને પકડી પાડવા અલગ અલગ ટીમો દોડાવી હતી અને આખરે તેમાં હવે સફળતા મળી છે.


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ હાથ ધરી

શંકાસ્પદ આરોપી મનોજ તેના ઘરે ઉજ્જૈન પહોંચે તે પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમપી બોર્ડરથી જ તેને ઝડપી પાડ્યો છે. પૂર્વ સરપંચની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણ ભૂત હોવાની શંકાને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ આરોપી મનોજનો પરિવાર લગ્ન પ્રસંગમાં વતન ગયો હતો પણ મનોજ ન ગયો હતો અને કાવતરું રચીને ઢીમ ઢાળી દેવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આરોપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.

હત્યારો ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો

રાજકોટ પંથકના સરધારમાં પૂર્વ સરપંચની તેની જ વાડીમાં હત્યા કરવામાં આવી હતી. હરેશભાઈ સવાલિયા વાડીમાં સૂતા હતા, ત્યારે અજાણ્યા હત્યારાએ ત્રિકમના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી, હરેશભાઈ વાડીમાં ખાટલે સૂતા હતા, ત્યારે ત્રિકમનો એક ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના સરધાર ગામથી ત્રણ કિલોમીટર દૂર કોટડા સાંગાણી રોડ પર આવેલા ખેતરમાં બની હતી. ગઈકાલે રાત્રે હરેશભાઈ તેમની વાડીમાં એક પરપ્રાંતીય મજૂર સાથે હતા, સવારે પરિજનો પહોંચ્યા ત્યારે તેમની લોહી નીતરતી લાશ મળી હતી.


  • Follow us on: