સુરતમાં એક યુવકે જાહેર માર્ગ પર આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવકે અર્ધનગ્ન થઈ ધોળા દિવસે જાહેર માર્ગ પર બસ રોકી ટ્રાફિક જામ કર્યો. ત્યાં હાજર લોકોએ તેને હટાવવા પ્રયાસ કર્યો પરંતુ લોકો સાથે પણ માથાકૂટ કરવા લાગ્યો. ધોળા દિવસે અર્ધનગ્ન થઈ બસ રોકનાર યુવક લોકોને નશામાં હોવાનું લાગ્યું. યુવક નશામાં ધૂત હોવાથી વધુ કોઈ દુર્ઘટનાને અંજામ આપે તે પહેલાં જ લોકોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી.


અર્ધનગ્ન થઈ યુવકે રોડ પર મચાવ્યો હંગામો

શહેરમાં પુણા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પુણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે એક યુવક અર્ધનગ્ન થયો અને સિટી બસને સામે આવી ગયો હતો અને એલફેલ બોલવા લાગ્યો હતો. જાહેર માર્ગ પર યુવક અર્ધનગ્ન થઈ બબાલ મચાવતા લોકોની ભીડ એકત્રિત થઈ હતી. બસની સામે યુવક સૂઈ જતા ડ્રાઈવર સહિત મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. બસના ડ્રાઈવરે તેની બસ આગળથી હટી જવા કહ્યું પરંતુ યુવક માન્યો નહીં. બસની અંદર બેસેલા મુસાફરો પણ નીચે ઉતર્યા અને ત્યાં હાજર થયેલ ટોળાએ પણ  મહામહેનતે નશેડી યુવકને રોડ પરથી દૂર કર્યો. 

પોલીસે ટીંગાટોળી કરી નશેડીની કરી ધરપકડ

નશામાં ધૂત યુવકે રોડ પર બસ રોકી હંગામો મચાવતા ભારે ટ્રાફિક જામ થયો હતો. લોકોએ પોલીસને સમગ્ર બનાવી વાત કરી. યુવક નશામાં હોવાથી પોલીસની પણ કોઈ વાત ના માનતા આખરે તેની ટીંગાટોળી કરી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. સીતાપુર ચોકડી પાસે નશામાં ધૂત યુવકે હંગામો મચાવતા પોલીસે તેની વિરૂદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં યુવકનો નશો ઉતાર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરાશે. આખરે તેણે કેમ જાહેર માર્ગ પર અર્ધનગ્ન થઈ આવું કારસ્તાનું કર્યું તેની હકીકત સામે આવશે. શહેરમાં આવા આવારા તત્ત્વો અને નશેડીઓ હવે ધોળાદિવસે આતંક મચાવતા હોવાના કિસ્સા વધ્યા છે. ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતાં દારુનો વેપલો વધ્યો હોવાનો આવા કિસ્સા બતાવે છે. 

  • Follow us on: