- બંને દીકરીઓ માટે મદદગાર બન્યા મંત્રી
- પ્રફુલભાઈ પાનસેરિયાએ દીકરીઓને દત્તક લીધી
- મા-બાપ વિહોણી બાળકીઓની જવાબદારી સ્વીકારી
સુરતના લાડવી ગામમાં માતા પિતા વિહોણી બે દીકરીઓ માટે ગુજરાત સરકારના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દેવદૂત બનીને આવ્યા છે. તેમને ખાસ મળવા માટે શિક્ષણૃમંત્રીએ સુરતના લાડવી ગામની મુલાકાત લીધી હતી. હળપતિ સમાજની બે દીકરીઓને મળવા માટે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ખુદ પહોંચ્યા હતા, તેમજ બંને દીકરીઓને શિક્ષણ તેમજ તેમનું ઘર બનાવી આપવાની જવાબદારી પણ શિક્ષણમંત્રીએ પોતાના માથે લીધી હતી. શિક્ષણમંત્રીની આ પહેલ સૌ કોઈ માટે પ્રેરણારૂપ સાબિત થાય તેમ છે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા લોકોને સહાય કરતી પહેલ કરવા માટે જાણીતા છે. તેઓ તેમની મુલાકાત લેનાર લોકોની પણ મદદ કરતા રહે છે. હંમેશા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ રહેતા પ્રફુલ પાનસેરીયાએ ફરી એક વખત માનવતાની મિસાલ કાયમ કરી છે.
સુરત જિલ્લાના લાડવી ગામે આદિવાસી સમાજની બે દીકરીઓને શિક્ષણમંત્રીએ દત્તક લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રફુલ પાનસેરીયાએ આ બંને બાળકીઓ માતા-પિતા વિહોણી હોવાનું માલુમ થતાની સાથે જ તેઓ પોતે જ લાડવી ગામે પહોંચ્યા હતા. ખાસ આ બંને દીકરીઓ સંજના કિશન રાઠોડ અને વંશીકા કિશન રાઠોડને મળ્યા હતા. આ મામલે જાણકારી એવી છે કે સંજના માત્ર આઠ વર્ષની છે તેમજ વંશીકા માત્ર છ વર્ષની છે. એટલી નાની ઉંમરમાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેમને તેની માતા પણ છોડીને જતા રહ્યા હતા, તેથી આ બંને દીકરીઓ એકલી પડી ગઈ હતી તેમજ આસપાસના લોકો આ બંને દીકરીઓનું ધ્યાન રાખતા હતા.
આ બને દીકરીઓ એકલી પડી ગયાની જાણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના કાને પડતા જ તેઓ તુરત જ લાડવી ગામે આવ્યા હતા અને સંજના અને વંશીકા બંને દીકરીઓનો અભ્યાસ તેમજ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નવું ઘર બનાવી આપવાની જવાબદારી ખુદ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પોતાના પર લીધી હતી. તેમજ જો આવાસ યોજનામાં કામ ન થાય તો પોતે સાથી મિત્રો દ્વારા બાળકીઓને ઘર બનાવી આપવામાં આવશે એવી વાત પણ કરી હતી. જો કોઈ બીજી કોઈ આવી બાળકી રાજ્યમાં હોય તો તેમને પણ કાર્યકરો નજીકના મંત્રીઓને કે ધારાસભ્યોને કહી આવી તમામ લોકોને રહેઠાણ અને શિક્ષણ મળે તેવી વાત તેમણે કરી. આમ લાડવી ગામની આ બંને દીકરીઓને દત્તક લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ માનવતાની ઉત્તમ મિસાલ કાયમ કરી છે, તેમજ શિક્ષણમંત્રીની આ કામગીરીની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે.