અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પંથકના ખેડૂતોએ પાકને થતા નુકસાનને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી. વિરમગામમાં પાણીના અભાવે પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. અને એટલે જ વિરમગામના તમામ ગામોમા સિંચાઇના પાણીની સુવિધા આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.
સિંચાઈ સમસ્યાને લઈને ખેડૂતોની રજૂઆત
ખેડૂતો વિરમગામ તાલુકાની માઇનોર કેનાલ પાણી આપવાની માગ કરતા કેનાલમા ઉતર્યા હતા. નર્મદાની નરસિંહપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમા છેલ્લા દિવસોથી પાણી બંધ કરાતા ઉભા પાક સૂકાતા ખેડુતો ચિંતિત થયા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ પંથકમાં ગયા ચોમાસા દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગરનો વાવેતર કર્યું હતું. જેમાં ભારે વરસાદને લઈને ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. જેથી આ વર્ષે પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ હજારો હેક્ટર જમીનમાં ડાંગરનો ઉભો પાક સૂકાઈ રહ્યો છે.
ડાંગરના પાકને મોટું નુકસાન
વિરમગામ તાલુકાના સોકલી કરકથળ ગામ પાસેથી પસાર થતી નર્મદાની નરસિંહપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમાં છેલ્લા કેટલાય દિવસોથી સિંચાઈનું પાણી બંધ કરતા 30થી વધુ ગામમાં ઉનાળુ ડાંગરના પાક સુકાઈ રહ્યા છે. જેને લઇને ખેડૂતો દ્વારા સરકાર પાસે કેનાલમાં પાણી છોડવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે વિરમગામ તાલુકાના હાસલપુર, સોકલી, કાજીપુરા ,વાંસવા, લિયા, થોરી મુબારક જાલમપુરા ધોડા થુલેટા સહિત30 થી વધુ ગામોને કેનાલમા સિંચાઇનું પાણી બંધ કરતા ખેડુતો ચિંતિત બન્યા છે જો એક અઠવાડીયા સમય જેટલો કેનાલમા પાણી ન છોડવાના આવે તો હજારો હેક્ટર ઉનાળુ ડાંગરનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતી ખેડુતોમા સેવાઇ રહી છે..