અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પંહોચતા કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધવાની સાથે રોગચાળો પણ વકર્યો છે. શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાના આરંભમાં વધતી ગરમીના કારણે હોસ્પિટલમાં ઝાડા ઉલટી, ચક્કર આવવી, બેભાન, ડી હાઇડ્રેશનના કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.
હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો
શહેરમાં કાળઝાળ ગરમીમાં પણ મચ્છરથી થતા વાયરસ સંબંધિત કેસમાં વધારો જોવા મળ્યો છે. 43 ડિગ્રીની ગરમીની માણસોને અસર થઈ રહી છે પરંતુ મચ્છરોને કોઈ અસર થતી નથી તેમ બતાવે છે. ભર ગરમીમાં પણ મેલેરીયા અને ડેન્ગ્યુ કેસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર રોગાચાળા પર દેખાઈ છે જેમાં ઝાડા-ઉલ્ટીના સૌથી વધારે કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11790 ઓપીડી નોંધાઇ.
હાલમાં એક શખ્સનું સામાન્ય ઝાડા ઉલટીની સમસ્યામાં મોત નિપજયું હતું. એટલે હવે ડોક્ટર પણ વધુ રિસ્ક ના લેતા ઝાડા ઉલ્ટીના દર્દીને પણ તાત્કાલિક સારવાર આપવા હોસ્પિટલમાં એડમિટ કરી રહ્યા છે. વધતી ગરમીના લીધે સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટીના 18 દર્દી એડમિટ કરવાની ફરજ પડી. જ્યારે મેલેરિયાના 251 કેસ નોંધાયા અને ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા.
તબીબની સલાહ
એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પંહોચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ગરમીમાં સાવચેતી રાખવા તબીબે શહેરીજનોને અપીલ કરી છે. તબીબની સલાહ છે કે આ દિવસોમાં વધુને વધુ પાણી પીવો તેમજ તડબૂચ જેવા ફળનું સેવન કરો અને ખાસ કરીને વાસી કે બહારનું ખાવાનું ટાળો. લોકોએ શક્ય બને ત્યાં સુધી કામ વગર બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જે લોકોને રોજિંદા કામ માટે બહાર જવાનું થતું હોય તેમણે લૂ ના લાગે માટે ઓઆરએસ અને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં બસના મુસાફરોને રાહત આપવા મનપા દ્વારા પણ પ્રયાસ હાથ ધરાતા શહેરના લાલદરવાજ બસસ્ટેન્ડ પર કુલર મૂકવામાં આવ્યા તેમજ શણના પડદા કરવામાં આવ્યા.