કચ્છમાં ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 26,331 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે એપ્રિલના પ્રથમ અઠવાડિયા સુધી જ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. કારણ કે, બાદમાં ચોમાસું પાકની મોસમ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉનાળુ પાકમાં ખાસ કરીને જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા છે, તેવા ખેડૂતો વાવેતર કરવા માટે આગળ વધતા હોય છે, પરિણામે જિલ્લામાં સૌથી વધુ મગફળીનું 4,081 હેક્ટરમાં અને બાજરીનું 3,166 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.


ખેડૂતોએ પોતાના બોરમાં વરસાદી પાણી ઉતાર્યા

આમ તો કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું સરેરાશ વાવેતર 34,432 હેક્ટરમાં કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિકે પાણીનાં સ્રોત ઊભા કરવામાં આવી રહ્યા હોય તેમજ ગત વર્ષે વરસાદ પણ સારો પડયો હોવાને કારણે જે પણ ખેડૂતોએ પોતાના બોરમાં વરસાદી પાણી ઉતાર્યા છે, તે આ ઉનાળુ પાકનું મહતમ વાવેતર કરવા માટે ખરા તડકામાં પણ તનતોડ મહેનત કરી રહ્યા છે. આ જોતાં આ વખતે જિલ્લામાં સરેરાશ પાક કરતાં પણ વધારે વાવેતર થાય તેવી પણ શક્યતાઓ નકારી શકાય નહીં.

નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકના વાવેતરનો ફેબ્રુઆરી માસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે અત્યાર સુધીમાં 26,331 હેક્ટરમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે. જે રીતે ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં જોતરાઈ ગયા હતા, તે જોતાં બાકી રહેલા થોડા દિવસોમાં ક્રમશઃ વાવેતરમાં સારો એવો વધારો જોવા મળે તો પણ નવાઈ નહીં. કારણ કે, ઉનાળાના પ્રારંભ સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યત્વે બાજરી, મકાઈ, મગફળી, તલ, શાકબાજી, ઘાસચારો અને અન્ય પાકાનું વાવેતર કરવા આવ્યું છે.

ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં વિવિધ પાકોનું વાવેતર

જિલ્લામાં ઉનાળુ પાકનું અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતર ઉપર નજર કરવામાં આવે તો બાજરીનું 3,166 હેક્ટરમાં, મકાઈનું 120 હેક્ટરમાં, મગનું 523 હેક્ટરમાં, મગફળીનું 4,080 હેક્ટરમાં, તલનું 1,420 હેક્ટરમાં, ડુંગળીનું 40 હેક્ટરમાં, ગુવારગમનું 218 હેક્ટરમાં, શાકભાજીનું 3,351 હેક્ટરમાં, ઘાસચારનું 11,741 હેક્ટરમાં અને અન્ય પાકોનું 1,619 હેક્ટર મળી કુલ 26,331 હેક્ટરમાં વાવતર થવા પામ્યું છે.

વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર

કચ્છના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં થયેલા ઉનાળુ પાકનાં વાવેતર ઉપર નજર કરવામાં આવે તો અબડાસા તાલુકામાં 2,839 હેક્ટરમાં, અંજાર તાલુકામાં 3,440 હેક્ટરમાં, ભચાઉમાં 2,350 હેક્ટરમાં, ભુજમાં 5,239 હેક્ટરમાં, ગાંધીધામમાં 80 હેક્ટરમાં, લખપત તાલુકામાં 3,596 હેક્ટરમાં, માંડવીમાં 3,468 હેક્ટરમાં, મુન્દ્રામાં 2,103 હેક્ટરમાં, નખત્રાણામાં 2,675 હેક્ટરમાં અને રાપર તાલુકામાં 541 હેક્ટર મળીને કુલ 26,331 હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે.


  • Follow us on: