જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામની બાંગા સેવા સહકારી મંડળી લાંબા સમયથી મૃતપ્રાય હાલતમાં છે. સહકારી મંડળીના ખેડૂતોએ કૌભાંડની આશંકાની સમસ્યાને લઈને કલેકટર સમક્ષ રજૂઆત કરી. ખેડૂતોનું કહેવું છે કે બાંગા સેવા સહકારી મંડળી મૃતપ્રાય હાલતમાં હોવાથી નો-ડયુ સર્ટીફીકેટના અભાવે મંડળીના સભાસદ ખેડુતો અન્ય કોઈ જગ્યાએથી ધિરાણ, સરકારી સહાય કે પાક ધિરાણ મેળવી શકતા નથી. ઉપરાંત ખેડુતોના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરીને ખેડુતોએ જામનગર કલેક્ટર કચેરીએ આવેદન આપીને ખેડુતોની સમસ્યાનો ઉકેલ લાવવા કલેક્ટર સમક્ષ માંગણી કરી છે.
ખેડૂતોના ધિરાણમાં કૌભાંડ
કાલાવડ તાલુકાની બાંગા સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના ધિરાણમાં કૌભાંડ આચરવામાં આવ્યાના આક્ષેપ સાથે ખાતેદાર ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં સભ્ય એવા ખેડુતોએ રજુઆત કરી છે કે, મંડળીના અધિકારી દ્વારા આ મંડળી ફડચામાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. મંડળીના સેક્રેટરીનું અવસાન થયું છે. કોઈ રેકર્ડ અસ્તિત્વમાં નથી. સ્વ. સેક્રેટરીની રીવીઝન અરજી હાલ પેન્ડિંગ છે. આ અરજીમાં પક્ષકાર તરીકે ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બેન્કને પણ જોડવામાં આવી છે.
મંડળી બંધ હાલતમાં હોવાથી ધિરાણ મેળવવામાં મુશ્કેલી
સભ્ય ખેડુતો આ મંડળી બંધ હાલતમાં હોવાને કારણે કોઈ જગ્યાએથી ધિરાણ મેળવી શકતા નથી કે બેંક કે મંડળી દ્વારા નો-ડયુ સર્ટી. ઈશ્યુ કરવામાં આવતા નથી. મંડળી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. તેનું દફ્તર પણ કોઈ જગ્યાએ અસ્તિત્વમાં હોય તું પણ જાણવામાં આવતું નથી. તેથી તમામ ખેડુત સભ્યો હાડમારી ભોગવે છે. ધિરાણ ન મળવાથી આર્થિક રીતે પજવણી થઈ રહી છે. બાંગા ગામના અન્ય જે ખેડુતો બીજી જગ્યાએથી ધિરાણ મેળવે છે. તેઓના નામે પણ મંડળીમાં બોજો આવેલો છે. ખેડુતોના નામે કૌંભાંડ આચરવામાં આવેલું હોવાની શંકા વ્યક્ત કરીને ખેડુતોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા ખેડુતોએ રજુઆતના અંતે માંગણી કરી છે. જેમાં બાંગા ગામના ખેડૂત આગેવાન સહીત 40 જેટલા લોકો જોડાયા હતા.