જામનગર કે સ્પીડ બ્રેકર નગર ? જામનગરમાં જાહેર માર્ગ ઉપર આડેધડ મંજૂરી વિના સ્પીડ બ્રેકર બનાવી દેવાયા છે, ક્યાં તો ૫૦-૫૦ મીટરના અંતરે સ્પીડ બ્રેકર, એ પણ પાંચ પાંચ બ્રેકર નાખી દેવાયા છે. સ્પીડ બ્રેકર બનાવ માટે કોઈપણ જાતની મંજૂરી વિના અને ટ્રાફિક શાખાના અભિપ્રાય વિના જ મન ફાવે રીતે સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલી અનુભવી પડી રહી છે.
જામનગરમાં સ્પીડ બ્રેકરને લઈ વિવાદ ઉભો થયો
મહાનગરપાલિકા કોઇને કોઇ કામગીરીના કારણે વિવાદમાં રહે છે. ત્યારે શહેરમાં અણધડ સ્પીડબ્રેકરના કારણે આવાગમનમાં ભારે હાલાકીના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. નવાઇની વાત તો એ છે કે, પ્રદર્શન ગ્રાઉન્ડ સર્કલ પાસે માર્ગ પર ઉંચા ગતિ અવરોધક બનાવાયા છે. તો વોર્ડ નં.13માં અડધા કીમીના માર્ગમાં 7 સ્પીડબ્રેકર મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરના ઘણા રોડ પર મનફાવે ત્યાં સ્પીડબ્રેકર મુકવામાં આવતા લોકો પરેશાન થયા છે.
એક સાથે પાંચ સ્પીડ બ્રેકર લગાવી દેવાયા
શહેરના વોર્ડ નંબર 13 માં નહેરનાં કાંઠાથી સૂર્યમુખી હનુમાન, પવન ચક્કી તરફ જવાનો રસ્તો આ વિસ્તારના લોકોને રણમલ તળાવ, જી.જી.હોસ્પિટલ તરફ આવવા જવા માટે એક માત્ર ઉપયોગી માર્ગ છે. નહેરનાં કાંઠાથી સૂર્યમુખી હનુમાન, પવનચક્કી સુધીનું અંતર 0.6 કીમી છે છતાં આ માર્ગમાં સાત સ્પીડબ્રેકર આવેલાં છે. જેથી આ રોડ ઉપરથી દર્દીઓ, વૃદ્ધ લોકોને પસાર થવું ખૂબ મુશ્કેલી ભર્યું બને છે. ઑટો રિક્ષાવાળા પણ આ રોડ ઉપરથી જવાને બદલે ફેરવીને લઈ જાય છે અને મુસાફરો પાસે થી વધુ ભાડું વસૂલે છે. આટલું જ નહીં આવાગમનમાં ભારે હાલાકી પડી રહી છે તો અકસ્માતનો ખતરો પણ ઝંઝુમી રહ્યો છે.
જામનગર કોર્પોરેશન તેની ભૂલ નહી સ્વીકારે !
આ સાથે શહેરના બીજા વિસ્તારની વાત કરીએ તો પવન ચક્કીથી લાલપુર બાયપાસ સુધી 3 કિમી 20-20 સ્પીડ બ્રેકર. જનતા ફાટકથી હરિયા કોલેજ સુધી 2.5 કીમીમાં 14-14 સ્પીડ બ્રેકર મરજી મુજબ બનાવી દેવાયા છે. એવી જ રીતે કલેકટર કચેરીથી જોગર્સ પાર્ક સુધી માત્ર 200 મીટરમાં 7-7 સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યા છે. શહેરમાં સંગમ બાગ સામેનો રસ્તો કે જ્યાં જડેશ્વર ચોક છે ત્યાં ડિવાઈડર વચ્ચેથી ખોટી જગ્યાએ મૂક્યું છે. જેથી લોકો સ્પીડબ્રેકર ને એવોઈડ કરવા માટે રોંગ સાઇડમાં વાહન ચલાવીને ડિવાઈડર ક્રોસ કરતા અકસ્માતનો ભય રહેલો છે. ઘણી વખત રોંગ સાઇડમાં ફૂલ સ્પીડમાં વાહન આવે ત્યારે મુશ્કેલી સર્જાય છે.