જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસીને રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટેની કવાયત તેજ કરી દેવાઈ છે. પોલીસે સમગ્ર રાજ્યમાં એક અભિયાન ચલાવીને બાંગ્લાદેશી લોકોના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. તે ઉપરાંત બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત મોકલવા માટે પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે. આ મુદ્દે ગાંધીનગરમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે.


આ જ સપ્તાહમાં તેમના દેશમાં પરત મોકલવા માટે કાર્યવાહી

ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ કરાઈ હતી. ડોક્યુમેન્ટ વિના રહેતા લોકો સામે કાર્યવાહી કરવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી. આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે, કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને આ જ સપ્તાહમાં તેમના દેશમાં પરત મોકલવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક ખુદ આ ઓપરેશનમાં જોડાયા

આજે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક ખુદ આ ઓપરેશનમાં જોડાયા છે. તેમણે ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓના મકાનોમાં જઈને તેમની મુલાકાત લીધી છે. ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે દિવસમાં 800 કરતા વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. આજે ચંડોળા વિસ્તારમાં શહેર પોલીસ કમિશનર સાથે JCP, DCP પણ હાજર રહ્યા હતા અને અલગ-અલગ શેરીઓમાં જઈ જાતે તપાસ કરી હતી.

ચંડોળા વિસ્તાર માંથી 890 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી

તે ઉપરાંત ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓના વીજ કનેક્શન કાપી નાંખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટની ખરાઈ કરવા માટે ગુજરાત પોલીસની એક ટીમ બંગાળ જવા રવાના થઈ છે. પોલીસની ટીમ બંગાળ જઈને જરૂરી ડોક્યુમેન્ટની ખરાઈ કરશે. 2 દિવસ અગાઉ ચંડોળા વિસ્તાર માંથી 890 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી.


  • Follow us on: