ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન મોદી પાટનગરના મહેમાન બન્યા છે.તેમના સ્વાગત સન્માનમાં યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કરી તેમને સહર્ષ આવકાર્યા હતા.ગાંધીનગર ખાતે યોજાયેલી આ સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ પણ જોડાયા હતા.



વડાપ્રધાનની એક ઝલક જોવા જનમેદની ઉમટી

રોડ શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગો, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઊર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી. સ્વર્ણિમ પાર્ક એટલે કે અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી યોજાયેલા આ દોઢથી બે કિલોમીટરના રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધારે જોવા મળતો હતો

વડાપ્રધાનનો રોડ શો શરૂ થતાં રોડ શોના રૂટ પર હજારો મહિલાઓએ પરંપરાગત પહેરવેશ,લાલ સાડી અને સિંદુરના શૃંગાર સાથે હાથમાં તિરંગો લ‌ઈને માં ભારતીનો જયઘોષ કરતાં વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.દેશભક્તિના ગીતોના સથવારે આગળ વધી રહેલ ઓપરેશન સિંદૂરના પ્રણેતા પર પુષ્પવર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધારે જોવા મળતો હતો.


થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા

અંદાજે દોઢથી બે કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ 15 સ્ટેજ પર દેશપ્રેમની થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, તિરંગો, બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ વિમાનોના ટેબ્લો, દેશભક્તિના ગીતો, ભારતીય સેનાના શોર્યને બિરદાવતા પ્લે કાર્ડ/બેનરોના પરિણામે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.


ગરબા રમીને નાગરિકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો

આ રોડ શોમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાન મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલનું કટ આઉટ, સિંદૂર ભરેલો ઘડો, ઓપરેશન સિંદૂરની કેપ, શાસ્ત્રીય નૃત્યો, સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવેલા વડોદરાના કલાવૃંદો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સિંદૂર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થયા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ લોકો દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા, તો ક્યાંક ગરવી ગુજરાતની આગવી સંસ્કૃતિ સમા ગરબા રમીને નાગરિકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.


  • Follow us on: