• દહેગામ તાલુકાનું જુના પહાડિયા ગામનો જ સોદો

  • મામલતદાર સહિત તંત્ર હરકતમાં આવ્યું અને તપાસમાં જોતરાયું
  • જુના પહાડિયામાં 50 વર્ષથી ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે

ગાંધીનગરના દહેગામ તાલુકાનું એક ગામ બારોબાર વેચાઈ ગયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. દહેગામ તાલુકાનું જુના પહાડિયા ગામનો જ સોદો કરવામાં આવ્યો છે, જે સર્વે નંબરમાં આખુ ગામ વસ્યુ છે તેને વેચી મારવામાં આવતા ગ્રામજનો ભડક્યા છે અને આક્રોશે ભરાયા છે.

ગ્રામજનોએ મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું

13મી જૂને વેચાણ દસ્તાવેજના આધારે 7/12માં કાચી નોંધ પડતા ગ્રામજનોને જાણ થઈ હતી કે ગામ બારોબાર વેચાઈ ગયુ છે. ત્યારે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે સુત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપીને દસ્તાવેજ રદ કરવાની માગણી કરી છે. ત્યારે હવે દહેગામ મામલતદાર સહિતનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને આ મામલાને લઈને તપાસમાં જોતરાયુ છે.

જમીન બારોબાર વેચી મારવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ

તમને જણાવી દઈએ કે જુના પહાડિયા ગામમાં છેલ્લા 50 વર્ષથી ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે, આ ગામમાં લગભગ 80થી વધુ પરિવારો વસે છે. ત્યારે તે ગામની જમીનને બારોબાર વેચી મારવામાં આવી હોવાની વિગતો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સર્વે નંબરવાળી જમીન વેચી દેનારા ઈસમોના નામ ગામના 7/12ના ઉતારામાં ચાલતા હોવાનો ગેર લાભ લીધો હોવાની વિગતો સામે આવી છે.

અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો: ગ્રામજનોનો આક્ષેપ

હાલમાં તો ગ્રામના લોકો મામલતદાર કચેરીના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોટા ફોટા અને ખોટા આંકડા અને નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે અને ગ્રામજનો આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ માગ કરી રહ્યા છે અને તાત્કાલિક ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય મેળવવાની માગ કરી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોતાના બાપ-દાદાની જમીન માટે ઝઝૂમતા રહેવુ પડશે કે આ ગ્રામજનોને ન્યાય મળશે. 

  • Follow us on: