ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારમાં સિંહ અને દીપડાના હુમલાની ઘટનાઓ વધવા માંડી છે. કોડિનાર તાલુકાના ડોળાસા ગામમાં દીપડાએ એક ખેડૂત પર હૂમલો કરતાં ખેડૂતને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી. આખરે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાછરડાને બચાવવા જતા ખેડૂત પર દીપડાનો હુમલો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કોડિનારના ડોળાસા ગામમાં કાદુભાઈ મોરી નામના ખેડૂત પોતાની વાડીમાં ગાય દોહવા માટે ગયા હતાં. આ દરમિયાન તેમણે ચાર દિવસના વાછરડાને સ્તનપાન માટે છોડ્યું હતું. ખેડૂતને ત્યાં દિપડો હોવાનો ખ્યાલ નહોતો પણ બાજ નજરે બેઠેલા દીપડાએ વાછરડાને પકડી લીધું હતું. ખેડૂતે વાછરડાને બચાવવાનો પ્રયાસ કરતા દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો.દીપડાના હુમલાના ઘાયલ થયેલા ખેડૂતે હિમત દાખવીને દીપડો વાછરડાને લઈને ગયો હતો તે ઓસરીનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન તેમણે બુમાબુમ કરતાં આસપાસના ખેડૂતો ભેગા થઈ ગયા હતાં. તેમણે 108ને જાણ કરી હતી અને ત્યાર બાદ 108 મારફતે તેમને સારવાર અર્થે ખસેડ્યા હતાં.
દીપડાએ વાછરડાનો શિકાર કરતાં ગામમાં ભય ફેલાયો
આ ઘટનાની જાણ વન વનવિભાગને થતાં વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો હતો. વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે દીપડાને પાંજરે પૂરીને તેને ગીર વિસ્તારમાં છોડી દેવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક રહીશોએ ડોળાસા અને આસપાસના ગામોમાં વારંવાર જંગલી પ્રાણીઓનો ત્રાસ અટકાવવા માગ કરી હતી. દીપડાએ વાછરડાનો શિકાર કરતાં ગામમાં ભય ફેલાયો હતો.