ગીર સોમનાથ જિલ્લાના ગોળ ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા સંચાલકો હાલ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્રથી શેરડી કાપણી માટે લાવવામાં આવતા મજૂરોને આપવા માટે મુકાદમોને અપાયેલી કરોડો રૂપિયાની એડવાન્સ રકમ લઈ મુકાદમો ફરાર થઈ જતા રાબડા સંચાલકોની હાલત કફોડી બની છે. આ અંગે પોલીસને વારંવાર લેખિત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા રાબડા સંચાલકોએ રેન્જ આઈજીને પત્ર લખી DYSPને રૂબરૂ રજૂઆત કરી લેખિત પત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. અન્યથા ગાંધી ચીંધ્યો રાહ અપનાવવા ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે પોલીસ વિભાગ દ્વારા ખેડૂતોને પૂરતો સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવી છે.
મજૂર લાવતા મુકાદમો 2 કરોડથી વધુની રકમ લઈને ફરાર થઈ ગયા
ગીર સોમનાથ જિલ્લાના રાબડા સંચાલકો દ્વારા શેરડી કાપણીની સીઝન માટે મહારાષ્ટ્રથી મજૂરો લાવવા માટે મુકાદમોને મોટી રકમ એડવાન્સ પેટે આપવામાં આવી હતી. જે એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સામે યોગ્ય સમયે મજૂરો પણ આવી જતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી મજૂર લાવતા મુકાદમો અંદાજે રૂ. 2 કરોડથી વધુની રકમ લઈને ફરાર થઈ ગયા છે. આ છેતરપિંડીનો ભોગ બનેલા કોડીનાર તાલુકાના તમામ રાબડા સંચાલકોએ ડીવાયએસપી ચૌધરી સહિતના પોલીસ વડાઓને રેન્જ આઈજીને સંબોધીને લેખિત ફરિયાદ આપીને રજૂઆત કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે 'છેલ્લા ચાર વર્ષથી ખેડૂતો સાથે થતી ગુનાહિત છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ બાબતની અનેક ફરિયાદો કોડીનાર પોલીસ સ્ટેશન, ઉપરી કચેરીઓ અને મુખ્યમંત્રીને ઓનલાઈન કાર્યક્રમમાં કરવામાં આવી છે. આમ છતાં, નાના ખેડૂતોના પ્રશ્નો સાંભળવા કે તેમને થતા અન્યાય બાબતે ફરિયાદ નોંધવા કે વ્યાજબી માગણી સ્વીકારી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સરકારના કોઈ ખાતા કે અધિકારી પાસે સમય નથી.
પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવે છે
પત્રમાં વધુમાં જણાવાયું છે કે 18 જેટલા ગોળ તથા શેરડી ઉત્પાદક ખેડૂતોના કુલ રૂ. 1,15,45,000/- (એક કરોડ પંદર લાખ પિસ્તાલીસ હજાર) જેટલી મોટી રકમ આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા છેતરપિંડી, ઠગાઈ અને વિશ્વાસઘાત કરીને લઈ જવામાં આવી છે. આ અંગે નોટરી રૂબરૂ પૈસા આપેલાના વીડિયો, ખાતામાં પૈસા નાખેલાના આધાર-પુરાવા સાથેનું 18 ફરિયાદી અને 41 ગુનેગાર કોન્ટ્રાક્ટરનું લિસ્ટ કોડીનાર પોલીસ સ્ટેશનમાં તા. 02.04.2025 ના રોજ રૂબરૂ આપવામાં આવ્યું છે, છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.' પોલીસ દ્વારા વારંવાર ફક્ત અરજી લઈ લેવામાં આવે છે અને ફરિયાદ નોંધવાના આશ્વાસન આપવામાં આવે છે.
ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
રાબડા સંચાલકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ફક્ત એક જ ફરિયાદ તા. 28.12.2023ના રોજ એક કોન્ટ્રાક્ટર ભૈટુભાઈ તસીંગભાઈ સોનવણે (રહે. મસાવડ, તા. શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)ના નામે નોંધવામાં આવી છે, પરંતુ તેમની હજુ સુધી ધરપકડ થયેલી નથી. આ સ્થિતિ ખેડૂતોમાં નિરાશા અને ગુસ્સો વધારી રહી છે. રાબડા સંચાલકોએ આપેલા લેખિત પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આ બાબતે વહેલી તકે કોઈ નિર્ણય નહીં કરવામાં આવે અને ખેડૂતોને થતા અન્યાય સામે ન્યાય નહીં મળે તો તેઓ નાછૂટકે ઉગ્ર આંદોલન કરવા અને જરૂર જણાયે કોડીનાર પોલીસ સ્ટેશન સામે ગાંધી ચીંધ્યા રાહે અનશન કરવાની ફરજ પડશે. આ મામલો હવે વધુ વકરે તેવી શક્યતા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કોડીનાર પોલીસ ઈન્સ્પેક્ટર પટેલે જણાવ્યું હતું કે રાબડા સંચાલકોની ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી દ્વારા આ બાબતની તાત્કાલિક ફરિયાદ નોંધી આગામી દિવસોમાં અહીંથી ટીમ બનાવી મહારાષ્ટ્રમાં જઈ અને ગીરના ખેડૂતોની સાથે છેતરપિંડી આચરનાર તમામ લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે જે રાબડા સંચાલકોની રકમ ફસાઈ છે, તે તેઓને પોતાની રકમ વહેલી તકે પરત મળે તેવા પોલીસ વિભાગના પ્રયત્નો રહેશે.